બજારમાં મંદીનો માહોલ : દિવાળી નજીક હોવા છતાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે

1495

પર્વોની શ્રેમની દિપાવલીનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. આ દિવસો દરમ્યાનના તહેવારોની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે. પરંતુ સતત વધતા જતા મોંઘવારીના દરને લઈને લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે આ વખતે જીએસટી, બજારમાં મંદી અને આખર તારીખના કારણે હજુ બજારોમાં જોઈએ તેવી ઘરાકી શરૃ થઈ નથી. વેપારીઓએ ચીજ વસ્તુઓનો સ્ટોક કરી લીધો છે પરંતુ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે ત્યારે તા.૧ લી પછી બજારોમાં દિવાળીનો માહોલ જામશે તેવી આશા પણ રાખી રહયા છે.

દૂધ, શાકભાજી, કઠોળ તથા મિઠાઈના ભાવમાં ગત વર્ષ કરતાં ભાવવધારો નોંધાયો હોવાથી શુ ખરીદવું તે પ્રશ્ન થઈ પડયો છે. જો કે ચાલુ વર્ષે દિવાળીનો તહેવારો પ્રથમ અને બીજા અઠવાડિયામાં હોવાથી આખરી દિવસોમાં જ ખરીદીનો માહોલ જામશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. જેને પગલે તહેવારોને ધ્યાનમાં લઈ આમ જનતા માટે સરકાર રાહત દરે વિવિધ ચીજવસ્તુઓનો પુરવઠો પુરો પાડે તેવી માંગ જાગૃતો દ્વારા કરાઈ છે.

જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં જીવન જરૃરીયાતની ચીજ વસ્તુઓના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેમાંય ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતાં તેની સીધી અસર જીવન-જરૃરીયાતની ચીજવસ્તુઓ પર થઈ છે. કૂદકેને ભૂસકે વધી રહેલા ચીજવસ્તુઓના ભાવને લઈને તહેવાર કઈ રીતે ઉજવવો તે માટે આમ આદમી અવઢવમાં છે. દૂધ અને શાકભાજીના કમરતોડ ભાવવધારાને કારણે ખાણી-પીણીની ડીશ તથા મિઠાઈના ભાવો ગત વર્ષ કરતા વધ્યા છે.

જો કે દિવાળી પર્વ ટાંણે મિઠાઈની માંગ વધુ રહેતી હોય છે. મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમવર્ગ સસ્તા ભાવે જે મિઠાઈ મળે છે તે લાવીને પર્વની ઉજવણી કરતા હોય છે. મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરીવાર માટે પોતાના નાના બાળકો તથા પરિવારના કપડા તેમજ બીજી ખાદ્ય સામગ્રી કઈ રીતે લાવવી તે પણ પ્રશ્ન થઈ પડયો છે.

વિવિધ ચીજવસ્તુઓમાં થયેલ ભાવવધારાની અસર જિલ્લાના બજારોમાં જોવા મળી રહી છે. હાલ મોટાભાગના વેપારીઓની દુકાનોમાં એકલ-દોક્કલ ગ્રાહકો નજરે પડે છે.

જો કે સરકારી લાભ અમુક જ વ્યક્તિઓને મળતો હોય છે ત્યારે અન્ય કેટલાક એવા પરીવારો પણ હોય છે જેમને ટૂંકો પગાર અને ટૂંકી આવકને લઈને દિવાળીના પર્વો કેવી રીતે ઉજવવા તે પ્રશ્ન મુંઝવતો હોય છે. આવા સમયે તહેવારને અનુલક્ષીને નિયત માત્રામાં ચીજવસ્તુઓ ઓછા ભાવે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Previous article૩૧મીએ જાહેર રજા છતાં શાળાઓ ૧ કલાક ચાલુ રહેશે
Next articleચોપડાઓ બનાવવાની કામગીરી શરૂ