તંત્રે ૧૬ લાખ ડેટા ઓપરેટિંગ માટે કવાયત હાથ ધરી છે : એસ કે લાંગા 

1208

મહેસૂલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની દિશામાં આગળ વધી રહેલી સરકાર દ્વારા હવે ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૧૯૪૮થી ૨૦૦૪ સુધીના ૭/૧૨ના ઉતારા ઓનલાઇન કરી દેવાશે. બિનખેતીની અરજીઓ ઓનલાઇન સ્વીકારવા માટે ગાંધીનગર જિલ્લાથી શરૂઆત કરાયા બાદ હક્ક પત્રકની નોંધના ડિજીટાઇઝેશન સંબંધમાં આ મોટો નિર્ણય લેવાયો છે. કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૪ પછીના ૭/૧૨ના ઉતારા ઓનલાઇન કરી દેવામાં આવ્યા છે. હવે વર્ષ ૧૯૪૮ સુધીના દસ્તાવેજો કે જેની સંખ્યા ૧૬ લાખ જેટલી થવા જાય છે.તેની ડેટા એન્ટ્રી કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે અને તેમાં છ મહિના જેટલો સમય લાગવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે ખાતેદારોની જમીનની માલિકીના આ દસ્તાવેજ હોવાથી તેમાં કોઇ પ્રકારે ચૂક ના આવે તે પ્રકારે કામગીરી કરવવા, તેનું સતત નિરિક્ષણ રાખવા અને ચોકસાઇ વર્તવા માટે સંબંધિત અધિકારીઓની જવાબદારી નિયત કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીપુરી ના થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવા અને એક દસ્તાવેજની માહીતી બીજામાં ભળી ન જાય તે સહિતની બાબતે ચોક્કસ રહેવા કહેવામાં આવ્યું છે. ૧૬ લાખ જેટલા ૭/૧૨ના ઉતારાની નકલનું ડિજીટાઇઝેશન થઇ જવા પગલે વધુ પારદર્શી નિર્ણયો ખેડૂતો કે જમીન ખરીદ કરનારા લોકો લઇ શકશે. કેમ કે જમીન સંબંધિ માહિતી ઓનલાઇન થઇ જવાની છે. કલેક્ટરે જણાવ્યું કે ૭/૧૨ના ઉતારા જેવા અત્યંત મહત્વના પાણી પક્ત્રક સહિતના અન્ય તમામ હક્ક પત્રક દસ્તાવેજોનું આગામી દિવસોમાં ડિજીટાઇઝેશન કરી દેવામાં આવનાર છે. તેમાં ૬ નંબરના પત્રક અને ૮ અ જેવા હક્ક પત્રકનો સમાવેશ કરી દેવામાં આવશે.