આકાશમાં આજથી લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્‌ભૂત નજારો

862

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા. ૧-ર નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો બુધવાર તા. ૧૪ મી નવેમ્બર થી તા. ર૦ નવેમ્બર દરમ્યાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજયના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે. ઉલ્કા વર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવેલ છે.

’જાથા’ ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા. ૧૪ મી થી ર૦ દરમ્યાન સિંહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧પ થી પ૦ અને વધુમાં વધુ ૧૦૦  ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્રબિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.

વધુમાં પંડયા જણાવે છે કે લીઓનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ શુક્રવાર-શનિવાર તારીખ ૧૬/૧૭ નવેમ્બરે અવકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ ૧પ વખત અવકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે.

પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે.  જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે.

Previous articleનવા સચિવાલયના રિનોવેશન માટે૧૦. ૨૪ કરોડનો ખર્ચ કરાશે
Next articleઠળિયા ગામે કહુવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાયો