દહેગામ ખાતે ૯૬ ખેડૂતોની બે હજાર કવીન્ટલ મગફળીની ખરીદી

1447

ગાંધીનગર જિલ્લાના મગફળી પકવતા ખેડૂતો માટે દહેગામ ખાતે મગફળીના ટેકાના ભાવે ખરીદી માટેની સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર એસ.કે. લાંગાએ દહેગામ એ.પી.એમ.સી. ની મુલાકાત લઇ રાજય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતી ન થાય અને સંપુર્ણ પારદર્શી વ્યવસ્થા, વિડિયો શુટીંગ, ગુણવત્તા ચકાસણી સહિતની વ્યવસ્થા નિહાળી ખેડૂતોના પ્રતિભાવો જાણ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, મગફળી ખરીદીમાં વધુ ઝડપ આવે તેવા પગલાં લીધા છે. જિલ્લાના ૧૪૧૭ ખેડૂતો પૈકી ૯૬ ખેડૂતોની બે હજાર કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. રોજના ૫૦ ખેડૂતોની મગફળી ખરીદાશે.

ખેડૂતોની મગફળી માટે ગોડાઉન અને બારદાનની પૂરતી વ્યવસ્થા કરી છે. ખેડૂતોની મગફળી ખરીદીની પ્રક્રિયા ઝડપી પુર્ણ થાય અને પાકનું સત્વરે ચુકવણું થાય તે માટે રૂ. એક કરોડ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. મગફળીનો પાક વેચવા આવેલ ખેડૂતોએ જિલ્લા વહીવટી તંત્રની ખરીદી પ્રક્રિયાની વ્યવસ્થા અંગે આભાર સહ સંતોષની લાગણી વ્યકત કરી હતી.

આ પ્રસંગે એ.પી.એમ.સી ના ચેરમેન સુમેરૂભાઇ અમીન, જિલ્લા પુરવઠા અધિકારી દર્શનાબેન રાંક, જિલ્લા રજિસ્ટ્રાર શ્વેતા પટેલ, જિલ્લા ખેતી અધિકારી જાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleએક તરફ પાણીની શોર્ટેજ બીજી તરફ મોટાપાયે વેડફાટ
Next articleકોબા ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી