યાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો

1037

ભગવાન વિષ્ણુએ ગડાધારણ કરી હોય તેવી અલૌકિક મૂર્તિથી શોભતા મંદિરના યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ હર્ષ ઉમંગ અને શ્રધ્ધાભેર યોજાયો હતો. પ્રથમ દિવસે અંદાજે ૧ લાખ જેટલા શ્રધ્ધાળુઓએ કામણગારા કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા.જયારે મંદિરનો ભંડાર લાખ્ખો રૃપિયાના દાનથી છલકાયો હતો.

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત રીતે યોજાતાં કાર્તિકી પૂનમના મેળાનો વિધીવત પ્રારંભ ગુરૃવારથી થયો હતો. સામાન્ય રીતે દેવ ઉઠી એકાદશીથી આ મેળાની તૈયારીઓ હાથ ધરાય છે.

જયારે દેવ દિવાળીના દિવસે બે લાખથી પણ વધુ શ્રધ્ધાળુઓ ગડાધર ભગવાન વિષ્ણુના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવશે.મેળાના પ્રારંભના પ્રથમ દિવસે અંદાજે એક લાખ શ્રધ્ધાાળુઓ મેળામાં ઉમટી પડયા હતા. જયારે શામળાજી મંદીર દ્વારા ૨૫ હજારથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું હતું.

મેશ્વો નદીના કાંઠેથી મંદિર પરીસર સુધી ભરાયેલા આ ઐતિહાસીક મેળામાં જિલ્લા સહિત પરપ્રાંત રાજસ્થાન, મધ્યપ્રદેશથી માંડી દૂરદૂરના મેળા રસિકો મોટીસંખ્યામાં ઉમટી પડયા હતા.મેશ્વો કાંઠે ના પવિત્ર નાગધરામાં હજારો દર્શનાર્થીઓએ સ્નાન કરી દર્શનનો લાભ લીધો હતો.

વર્ષોથી પરંપરાગત રીતે શામળાજી ખાતે યોજાતાં કાર્તિક પૂનમના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સેવા કેન્દ્રો શરૃ કરાયા હતા.

જયારે હિંમતનગર ડીવીઝન દ્વારા ફળવાયેલ એસ.ટી.બસોથી મુસાફરોને રાહત મળી હતી. ગુરૃવારની આખી રાત્રી દરમ્યાન ધમધમતા મેળામાં આસપાસના ખેડૂતોએ પોતાની ખેત પેદાશો જેવી કે શેરડી,આદુ,હળદર સહિતની ચીજ-વસ્તુઓનું મોટાપાયે વેચાણ કર્યું હતું.જયારે અન્ય મેળા રસિકોએ મેળામાં ઉપલબ્ધ આનંદ પ્રમોદના સાધનોથી મજા માણી હતી.

પવિત્ર યાત્રાધામ શામળાજીમાં હજારો વર્ષ પુરાણી રાજા હરિચન્દ્રની ચોરીથી માંડી વિવિધ સ્મૃતિઓ તેના દિવ્ય કાળનો મહિમા વર્ણવી રહી છે.શામળાજી ખાતે યોજાતો લોક મેળો એટલો જુનો અને જાણીતો છે કે આ મેળા અંગે કેટલાય ગીતો રચાયા છે.જેમાં શામળાજીના મેળે રણઝણીયું…પીઝણીયું વાગે એ ગીત દ્વારા આ મેળાનો મહિમા વર્ણવાયો છે.આવા જાણીતા કાર્તિકી પૂનમના મેળાના પ્રથમ દિવસે મંદિર દ્વારા પ્રસાદના ૨૫ હજાર પેકેટનું વિતરણ કરાયું હતું.જયારે દેવ દિવાળીના દિવસે દરેક દર્શનાર્થીને મંદિર ટ્રસ્ટ દ્વારા બુંદીનો પ્રસાદ પૂરો પડાશે.એમ મેનેજરે જણાવ્યું હતું.

શામળાજી ના પ્રસિધ્ધ કાર્તિકી પૂનમના મેળામાં  યાત્રિકોની સેવા માટે હિંમતનગર ડીવીઝન દ્વારા ૨૫ એસટી બસ સેવામાં ફળવાઈ છે.ડીવીઝન કન્ટ્રોલર એમ.ડી.શુકલ ના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે એસટી બસોની ૮૦ ટ્રીપો દ્વારા મુસાફરોને સેવા અપાઈ હતી.

Previous articleટાટની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક પ્રકરણમાં ૩ પરપ્રાંતિય ઝડપાયા
Next articleથર્મલ પાવર પ્લાન્ટની ઉડતી રાખ રહિશોના આરોગ્ય માટે જોખમી બની