વાતાવરણમાં પલ્ટો આવતા કોબીજ ફલાવરના પાક પર સંકટના વાદળો

1366

ગાંધીનગર તેમજ આસપાસ શાકભાજી વાવતા ખેડુતોનું પ્રમાણ વધુ છે તેમાં પ્રાંતિજ તાલુકો કોબીજ અને ફૂલાવરના ઉત્પાદનમાં મોખરે છે. પ્રાંતિજનું કોબીજ, ફલાવર અમદાવાદ, સુરત, મુંબઈ જેવાં શહેરોમાં ચપોચપ વેચાઈ જાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા ઉત્પાદનમાં ૨૦૧૭-૧૮ના વર્ષમાં ફૂલાવરના ઉત્પાદન અને વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્રાંતિજ તાલુકામાં ૩૫૦૦ હેક્ટર જમીનમાં કોબીજ ફૂલાવરનું ઉત્પાદન થાય છે.

બે દિવસ પહેલા ફૂલાવરનો ભાવ પ્રતિમણ ૨૦૦ થી ૨૨૦ રૃપિયા હતો. પરંતુ વાતાવરણમાં થયેલા ફેરફારની સીધી અસર કોબીજ અને ફૂલાવરના ઉત્પાદનમાં થાય છે.

મંગળવારે પ્રાંતિજ બજારમાં ફૂલાવરનો ભાવ ગગડી ૧૦૦થી ૧૨૦ રૃપિયા પ્રતિમણ થતાં તેની સીધી અસર ખેડૂતો પર થાય છે. વાતાવરણ ના ફેરફારને કારણે ફૂલાવર ફાટી જાય છે અને તેનો ભાવ ગગડી જાય છે.

જ્યારે બીજી તરફ ફૂલાવરના કેટલાંક બિયારણમાં ડાઘી જોવા મળતાં ખેડૂતે સસ્તાભાવે ફૂલાવર વેચવું પડે છે. ખેડૂતે જણાવ્યું કે વાતાવરણ ફેરબદલને કારણે બજારમાં ફૂલાવરના ભાવ ગગડી ગયા છે. મોંઘી દવા અને ઉત્પાદનમાં ઘટાડાના કારણે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાતો જાય છે.

પ્રાંતિજ તાલુકા ખેતીવાડી વિસ્તરણ અધિકારી હિરેનભાઈ પટેલે જણાવ્યું કે પ્રાંતિજ તાલુકામાં ૬૦૦૦ હેકટર જમીનમાં બધી શાકભાજી ઉત્પન્ન થાય છે જ્યારે કોબીજ અને ફૂલાવરનું ઉત્પાદન ૩૫૦૦ હેક્ટર જમીનમાં થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, મુંબઈ જેવા શહેરોમાં પ્રાંતિજ તાલુકાના ફૂલાવરની ભારે માંગ હોય છે.

ફૂલાવરનું મોંઘું બિયારણ, મોંઘી દવાઓ, મજૂરીનો ખર્ચ બધુ મળી ખેડૂત ખૂબ ખર્ચ કરી ફૂલાવરનું ઉત્પાદન કરે છે તો ક્યારેક તૈયાર થયેલા પાકને વાતાવરણની અસર થાય છે. અથવા તૈયાર થયેલા ફૂલાવરનો ક્યારેક પૂરતો ભાવ ન મળતાં ખેડૂતની કમર તૂટી જાય છે.

Previous articleગોઝારિયામાં ખાનગી બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ
Next articleજસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો