રવી પાકના વાવેતરમાં ૨૯ ટકાનો ઘટાડોઃ પાણીની તંગીથી ઉત્પાદન ઘટવાનો ભય

745

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતા રવી પાકોના વાવેતરમાં ભારે ફટકો પડ્યો છે. પાણીની અછતને લીધે રવી વાવેતર ૨૯ ટકા નબળું રહ્યું હતું. જોકે સૌરાષ્ટ્ર સામાન્ય રીતે રવી પાકોનું મબલક વાવેતર કરતો વિસ્તાર છે, પરંતુ આ વર્ષે વાવેતર ઘણું ઓછું રહ્યું છે. અપૂરતા વરસાદથી જ સિંચાઈનો પ્રશ્ર્‌ન વિકટ બનતા રવી વાવેતરમાં મુશ્કેલી ઊભી થઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાની સિઝન નબળી રહેતા રવી પાકોની ૨૩.૬૩ લાખ હેકટર સામે ચાલુ વર્ષે ૧૬.૯૨ લાખ હેકટર વિસ્તારમાં વાવણી થઇ હતી. જોકે એમાં સૌરાષ્ટ્ર ઘણું પાછળ રહ્યું હતું. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ફકત ૨.૯૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ૭ લાખ હેકટરમાં વાવેતર થયું છે. મધ્ય ગુજરાતમાં ૪.૮૬ અને દક્ષિણ ગુજરાતમાં ૧.૫૭ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. જ્યારે કચ્છ વિસ્તારમાં તો ફકત ૫૩ હજાર હેકટરમાં વાવણી થઇ શકી હતી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ નર્મદાના પાણી મળી રહ્યા છે એટલે વાવેતર થોડું નોંધપાત્ર રહ્યું છે.

જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્થિતિ અતી ગંભીર છે. પાણીની તંગીને લીધે ખેડૂતો ટળવળી રહ્યા છે. પાક માટે કેનાલોમાંથી પૂરતું પાણી અપાતું નથી. સૌરાષ્ટ્રમાં તો સુરેન્દ્રનગર સુધી જ સિંચાઇ વ્યવસ્થા છે. બાકીના વિસ્તારમાં ડેમો ઉપર આધાર રાખવો પડી રહ્યો છે. કચ્છમાં તો વરસાદ જ થયો નથી. એટલે વાવેતર માત્ર ૫૩ હજાર હેકટરમાં છૂટું છવાયું રહ્યું છે.

હવે શિયાળાની અસ્સલ ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. સવારે અને રાત્રે વાતાવરણમાં ટાઢોડું વર્તાય રહ્યું હોઇ પાણી પ્રશ્ર્‌ને થોડી રાહત થશે. પરંતુ જાન્યુઆરીના મધ્યભાગથી પાક માટે પાણીની કટોકટી સર્જાવાની પૂરતી સંભાવના છે.

Previous articleઅઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ ૮૦૦ કિલોની ભગવત્‌ ગીતા
Next articleસમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો