ભાજપ રથયાત્રાને બહાલી આપતો ચુકાદો અસ્વિકાર

557

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આજે બંગાળમાં ભાજપને ફરી એકવાર ફટકો પડ્યો હતો. કારણ કે, ગુરુવારના દિવસે કોર્ટે બંગાળમાં ભાજપની રથયાત્રાને મંજુરી આપી હતી. હવે કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે પોતાના ચુકાદામાં હાઈકોર્ટના જ આ નિર્ણયને ફગાવી દીધો છે. ડિવિઝન બેંચે મામલાને ફરીથી વિચારણા કરવા માટે સિંગલ બેંચને મોકલી દીધો છે. આના કારણે ભાજપની સૂચિત રથયાત્રા ફરી એકવાર અટવાઈ પડી છે. પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઈકોર્ટનું સિંગલ બેંચના આદેશને ડિવિઝન બેંચમાં પડકાર ફેંક્યો હતો. ચીફ જસ્ટિસ દેવાસીસ કારગુપ્તા અને જસ્ટિસ સમ્પા સરકારની ડિવિઝન બેંચે કેસને પરત સિંગલ બેંચને મોકલી દઈને રાજ્ય સરકારની એજન્સીઓના ઇનપુટને ધ્યાનમાં લેવા કહ્યું છે. અત્રે નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં સૂચિત રથયાત્રાને કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે લીલીઝંડી આપી હતી.

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ભાજપની આ સૂચિત રથયાત્રાને લઇને જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને સાંપ્રદાયિક માહોલ ખરાબ થઇ શકે છે તેવી દલીલ કરી હતી પરંતુ પશ્ચિમ બંગાળ સરકારની દલીલને કોલકાતા હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સાંપ્રદાયિક શાંતિમાં ખલેલ પહોંચાડવાની આશંકા દર્શાવનાર ગુપ્તચર રિપોર્ટ રાજ્યમાં ભાજપની રથયાત્રા અને રેલીને મંજુરી નહીં આપવા સાથે કોઇ સંબંધ નથી. ભાજપે પોતાની અરજી મારફતે રેલીને મંજુરી આપવાના ઇન્કારને લઇને મમતા બેનર્જી સરકાર સામે જોરદાર પડકાર ફેંક્યો હતો. તૃણમુલ કોંગ્રેસ સરકારના પગલાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ભાજપ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાના દાવાના સમર્થનમાં કોઇપણ નક્કર બાબતો રજૂ કરી ન હતી.

Previous articleનવાદા રેપ : રાજવલ્લભ યાદવને જન્મટીપ કરાઈ
Next articleઉત્તરાખંડઃ કેદારનાથ હાઈવે પર ખડકો ધસી પડતાં ૭ મજૂરોના મોત