ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે ડુંગળી-લસણ-બટાકાના ભાવ

1073

એક તરફ સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ હાલ જે પાકોના ભાવ મળી રહ્યા છે, તેમાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બટાટા, લસણ અને ડુંગળીના ભાવ સતત ઘટતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સતત ઘટતા ભાવથી બનાસકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે. ૧૫૦ રૂપિયાની આસપાસમાં પડતર ડુંગળી ૩૦ થી ૫૦ના ભાવોમાં ડુંગળીની ખરીદી થઈ રહી છે. ત્યારે ખેડૂતોને એક મણ દીઠ ૧૦૦ રૂપિયાની નુકસાની થઈ રહી છે. ત્યારે ખેડૂતો ડુંગળીને ખેતરમાંથી કાઢવાને બદલે પશુ ઢોરને ચરાવી દે છે.

ગુજરાત સહિત બનાસકાંઠામાં પણ બટાટા, લસણ અને ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં ડીસાના ખેડુતો બટાકામાં સતત મંદીના કારણે દેવાદાર થતાં જાય છે. મોંઘા બિયારણ અને ખાતર લાવી બટાટા અને લસણ અને ડુંગળીની ખેતી કર્યા બાદ મૂડી પણ ન નીકળતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. હાલ માર્કેટમાં લસણનો હોલસેલ ભાવ પ્રતિ કિલોએ ફક્ત ૧૨-૧૪ રૂપિયા છે. તો લસણનો રિટેલ ભાવ ૨૦-૨૨ રૂપિયા છે. બટાટાના પ્રતિ કિલોએ હોલસેલ ભાવ ૪-૬ રૂપિયા છે, તો રિટેલ ભાવ ૮-૧૦ રૂપિયા છે. તો ડુંગળીનો હોલસેલ પ્રતિ કિલો ભાવ ૭-૮ રૂપિયા, અને રિટેલ ૧૦-૧૨ રૂપિયા ભાવ છે.ખેડૂતોને વાવણીના વળતર જેટલા ભાવ પણ મળતાં નથી. જેથી ખેડૂતો રોષે ભરાયા છે, તો બીજી બાજુ બટાકામાં સતત રહેતી મંદીના કારણે ડીસા પંથકના ખેડૂતો ખેતી છોડવાની વાત કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો દેવાના ડુંગરા તળે દબાતા આત્મહત્યા તરફ વાળવાની વાત કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સરકાર બટાકા, લસણ અને ડુંગળીને પણ સબસીડી આપે અથવા ટેકાના ભાવે ખરીદે અને યોગ્ય કૃષિનીતિ બનાવે તો જ ખેડૂત ટકી શકે તેમ છે.

Previous article૬.૨ ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર
Next articleધાનેરા ટીડીઓ પર તલાટી સહિત ત્રણ શખસોનો અડધી રાતે હૂમલો