મેટ્રોનાં પ્રથમ ૩ કોચ પહોંચ્યા અમદાવાદ, ૧૫ જાન્યુ. બાદ ટ્રાયલ

1187

મેટ્રો ટ્રેનની અમદાવાદીઓ જ નહીં પરંતુ ગુજરાતીઓ રાહ જોઇને બેઠા છે. ત્યારે મેટ્રો ટ્રેનનાં પ્રથમ ૩ કોચ અમદાવાદ ખાતે આવી ગયા છે. ૧૫ જાન્યુઆરી બાદ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી ટ્રાયલ કરાવવામાં આવશે. માર્ચનાં અંત સુધીમાં તો નાગરિકો મુસાફરીનો આનંદ માણી શકશે. જેને વડાપ્રધાન મોદીએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે.

મેટ્રો રેલના પ્રથમ તબક્કાનો વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીના એલિવેટેડ રૂટ પર પ્રારંભ કરાવવામાં આવશે. પહેલા ત્રણ કોચની એક ટ્રેન દોડાવવામાં આવશે. સેફ્ટી કમિશનરની મંજૂરી બાદ માર્ચ અંતમાં સામાન્ય નાગરિકો પણ મેટ્રોમાં મુસાફરીનો આનંદ મેળવી શકશે. જ્યારે મે મહિનાના અંત સુધીમાં એપીએમસીથી પાલડી (શ્રેયસ ક્રોસિંગ) સુધીના રૂટ પર પણ મેટ્રોનો ટ્રાયલ રન શરૂ કરવાની યોજના છે. જ્યારે ૨૦૧૯ના અંત સુધીમાં મોટેરા સુધી મેટ્રો શરૂ કરવાનો પ્લાન છે. મેટ્રો એક્સપ્રેસ લીંક ફોર ગાંધીનગર અમદાવાદ (મેગા) કંપનીના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ’પ્રથમ તબક્કા માટે ૧૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના ટ્રાયલ રનનો પ્રારંભ કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનના પ્રારંભ બાદ માર્ચ ૨૦૧૯ સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા માટે ખુલ્લી મુકવામાં આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનો, વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્કને આવરી લેવામાં આવશે.’

લાગે છે ચૂંટણી આવતા પહેલા તો અમદાવાદમાં ઘણું નવું થઇ જશે. મેટ્રો ટ્રેનની સાથે નવી વી. એસ હોસ્પિટલનું પણ જાન્યુઆરીમાં જ અનાવરણ થશે. જેમાં ૧૨૦૦ બેડની ક્ષમતા છે. તેની સાથે વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમનું પણ ઉદ્ધાટન થશે.

આ ઉપરાંત રિવરફ્રન્ટ ફેઝ-૨, એસજી હાઇવે પર સિક્સલેન ફ્લાયઓવર તેમજ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ પર પણ કામ થઇ જ રહ્યું છે.

Previous articleજસદણ કોંગ્રેસનાં અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓ મારા સંપર્કમાં : બાવળિયા
Next articleબિનઅનામત વર્ગ માટે રાજ્ય સરકારની લાભકારી જાહેરાત, આવક મર્યાદા વધારાઈ