એલઆરડી પરીક્ષામાં ગાંધીનગર ડેપોમાંથી ૬૦ જેટલી બસો દોડાવાશે

756

લોકરક્ષકની પરીક્ષા રદ થયા બાદ આગામી રવિવારે પુનઃપરીક્ષા યોજાવાની છે ત્યારે ઉમેદવારો માટે સરકાર દ્વારા વિનામૂલ્યે એસટીની સુવિધા પુરી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્થાનિક ડેપો તંત્ર દ્વારા પણ બુકીંગ સુવિધા શરૂ કરવાની સાથે સાથે શનિ અને રવિવારે પરીક્ષા કેન્દ્રના રૂટ ઉપર ૬૦ જેટલી બસો એસટી તંત્ર દ્વારા દોડાવવામાં આવશે. જેના ભાગરૂપે તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ તાત્કાલિક તેને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતના નવ લાખથી વધુ ઉમેદવારો બેસવાના હતા ત્યારે રદ થવાના કારણે હેરાન પરેશાન થઇ ગયા હતા અને અફડા તફડીનો માહોલ પણ તે વખતે સર્જાયો હતો. હવે આગામી રવિવારે આ પરીક્ષા યોજાવાની છે ત્યારે સરકારે નિર્ણય કર્યો હતો કે, પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે વિનામૂલ્યે એસટીની સુવિધા પુરી પાડવામાં આવશે. જેના ભાગરૂપે એસટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રવિવારે પરીક્ષા યોજાનાર છે ત્યારે ગાંધીનગર ડેપો દ્વારા પણ ઉમેદવારો માટે  બુકીંગ પ્રક્રિયા શરૂ કરાઇ છે.

જે અંતર્ગત જે ઉમેદવારો પરીક્ષા આપવા જવાના છે તેમની હોલટિકિટ બતાવ્યા બાદ બુકીંગ કરવામાં આવશે અને બસમાં પણ કંડક્ટર દ્વારા ટિકિટ કાઢી આપવામાં આવશે. ત્યારે શનિવાર અને રવિવાર ઉમેદવારોને કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં અને નિયત સમયમાં બસની સુવિધા મળી શકે તેના ભાગરૂપે ૬૦ જેટલી બસો ખેડા-આણંદના પરીક્ષા કેન્દ્રો કે જ્યાં આગળ જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તેમના માટે આ બસો દોડાવવામાં આવશે. તો બીજી તરફ અન્ય કોઇ સમસ્યા ન સર્જાય તેના ભાગરૂપે આ બંને દિવસ દરમિયાન ડેપોના કર્મચારી ઓની રજા પણ રદ કરવામાં આવી છે. જેથી ઉમેદવારોને પણ હાલાકીનો સામનો કરવો પડે નહીં તે પ્રકારનું આયોજન ડેપો દ્વારા હાથ ધરાયું છે.

Previous articleકુડાસણમાં બનતી હોસ્પિટલ પાસેની ગંદકીના ઢગ ખડકાયા
Next articleનાયબ મુખ્યમંત્રી બનવાની અફવા પર બાવળિયાની સ્પષ્ટતાઃ આ માત્ર અફવા