કસ્ટડીમાં આરોપીને મારવાના કેસમાં આઠ સામે ફરિયાદ થઇ

648

સુરતમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ આરોપીઓની પુછપરછ દરમ્યાન એકને પોલીસે ક્રૂરતાપૂર્વક ઢોર માર મારતાં બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો છે, જેને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. વિવાદ વકરતાં આખરે કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારવાના પ્રકરણમાં આખરે ખટોદરા પોલીસ મથકના પીઆઇ એમ.બી.ખીલેરી પીએસઆઇ સહિત આઠ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની પોલીસને ફરજ પડી હતી. આઠ પોલીસ જવાનો સામે ફરિયાદને લઇ રાજયભરના પોલીસ બેડામાં  જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. બીજીબાજુ, મામલો ગરમાતા ફફડી ગયેલા પોલીસ જવાનો ફરાર થઇ ગયા છે. પોલીસે તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં ખટોદરા પોલીસ મથકમાં ખુદ કાયદાના રક્ષકો દ્વારા જ કાયદો હાથમાં લઈને ગંભીર રીતે આરોપીને માર મારવાની ઘટનાના રાજયના પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

સમગ્ર મામલે વિવાદ ગરમાતાં સુરતના સ્થાનિક એસીપી પી.એલ.ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજવાની ફરજ પડી હતી અને જણાવ્યું હતું કે, ત્રણ આરોપીઓને ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતાં.

ત્રણમાંથી આરોપીઓમાંથી એક બેભાન થઈ જતાં અને બ્રેઇન હેમરેજ થઇ જતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. ઉચ્ચ કક્ષાએથી તપાસ થઈ રહી છે. પીઆઈ, પીએસઆઈ સહિતના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તમામને ઝડપી લેવા માટે તેમના ઘરે પણ પોલીસ જઈ આવી છે અને તેમના મોબાઈલના લોકેશનના આધારે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઓમ પ્રકાશ પાંડે  સહિતના અન્ય બે આરોપીઓને પોલીસે ગરેકાયદેસર કસ્ટડીમાં રાખીને ઢોર માર માર્યો હતો. આ કેસમાં ખુદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં છે ત્યારે સવાલો એ જ ઉભા થઈ રહ્યા છે કે, પોલીસકર્મીઓને ભગાડી મુકનાર એ જ ડિપાર્ટમેન્ટના પોલીસ કર્મીઓ આરોપીઓને પકડશે કે પછી ભીનું સંકેલાઈ જશે. ચકચારભર્યા આ કેસમાં પીઆઈ એમ.બી.ખીલેરી, પીએસઆઈ સહિત ડી સ્ટાફના હરેશભાઈ, કનકસિંહ, પરેશભાઈ, આશિષ, કલ્પેશભાઈ, દિલુભાઈ સહિતના આઠ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, મોટાભાગના આરોપી પોલીસ કર્મચારીઓના નામ સરનામા પુરા ન હોય તે રીતે માત્ર પ્રથમ નામ જ લખવામાં આવ્યાં છે. જેને લઇને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, સામાન્ય આરોપી કે માણસના કિસ્સામાં પોલીસ તેની આખી કરમકુંડળી શોધી ફરિયાદમાં લખી નાંખે છે અને પ્રસ્તુત કિસ્સામાં માત્ર પહેલું નામ જ લખ્યું છે, પિતાનું નામ કે અટક પણ લખી શકયા નથી. વળી, પોલીસે ફરિયાદમાં જામીનપાત્ર કલમો જ લગાવી છે, તેથી તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક જામીન મળી જાય પરંતુ જો સામાન્ય માણસના કેસોમાં પોલીસ એવી જટિલ કલમો લગાવી દેતી હોય છે કે તે જામીન મેળવતા મેળવતાં ફાંફે ચઢી જાય અને બહુ ભયંકર રીતે હેરાન-પરેશાન થઇ જાય. સમગ્ર મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પણ લૂલો બચાવ નજરે પડતી હતી.

Previous articleરાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ
Next articleરાજ્યમાં ભીષણ ગરમી : તાપમાન  ૪૫