ગાંધીનગર અને અમદાવાદમાં વિજ્ઞાન જાથાએ કામગીરીનો પ્રારંભ કર્યો

630

વર્ષ ર૦૧૯ થી ગાંધીનગર – અમદાવાદ જિલ્લા આસપાસના વિસ્તારો માટે ભારત જન વિજ્ઞાન જાથાની મિટીંગ યોજવામાં આવી હતી. રાજયના તમામ જિલ્લામાં ’જાથા’ ની શાખાઓ ખોલવામાં આવશે. ભારતમાં આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ ધામ કરતાં ધાર્મિક સ્થાનોની સંખ્યામાં ઉત્તરોતર વધારો ચિંતાનું કારણ દર્શાવી લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવા જનઆંદોલન કરી નાગરિકનું પોતાનું જીવન સુખમય બને તેવા પ્રયત્નો જાથા દેશવ્યાપી કરશે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ-ગાંધીનગર આસપાસ દોરા-ધાગા, ધતિંગ કરનારા સાવધાન તેવી આલબેલની જાહેરાત કરવામાં આવી હતી.

કાર્યક્રમનું દીપ પ્રાગ્ટય રાજયના એડી. ડી.જી.પી. ડૉ. વિનોદ કુમાર મલ્લ તથા રાજયના માહિતી ખાતાના વડા અશોક કાલરીયાને હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મેટ્રો દૈનિકના તંત્રી મુકેશભાઈ પટેલ દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી.

રાજયના એડી. ડી.જી.પી. ડૉ. વિનોદકુમાર મલ્લે ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે જ્ઞાન-વિજ્ઞાનને નાત-જાત-કોમ સાથે કશી જ લેવાદેવા નથી. જ્ઞાન સર્વોપરી સાબિત થાય છે. અવકાશી ગ્રહો લાખો-કરોડો માઈલ દૂર છે તે માનવીને નડતરરૂપ નથી તેના આધાર પુરાવા રજૂ કર્યા હતા. ન્યુટ્રોન-પ્રુટ્રોન, વિજ્ઞાનની બીગ બેંગની થીયરી વિગેરે ઉપર છણાવટ કરી સૌ કોઈને મંત્ર મુગ્ધ કર્યા હતા.

બુદ્ધની વિચારધારા સાથે કબીર-અખાને યાદ કરી તેનું કાયમી સંભારણા માટે રાજયમાં યાત્રા નીકળશે તેની માહિતી આપી હતી. વિજ્ઞાનથી માનવીને મહત્તમ ફાયદા થયા છે ત્યારે કર્મકાંડ-ક્રિયાકાંડો, કુરિવાજો, વ્યસન વિગેરે અધોગતિનું કારણ છે.

રાજયના માહિતી ખાતાના વડા અશોક કાલરીયાએ જિજ્ઞાસુઓને જણાવ્યું કે ભારતમાં ગરીબાઈના કારણે અંધશ્રદ્ધા ફાલીફુલી છે. ભારત સમૃદ્ધ દેશોની યાદીમાં નથી. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. કર્મકાંડ-ક્રિયાકાંડો સંપુર્ણ નિરર્થક છે. જયોતિષીઓના અનેક દાખલા આપી ગ્રહોના ફળકથનો બોગસ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

અમદાવાદ-ગાંધીનગર વિસ્તારો માટે જાથાની ટીમ પડાવ નાખશે તેની અસર ભુવા-ભારાડી, મુંજાવરો, ફકિરો, વિગેરે જે લોકોને લૂંટે છે તેના ઉપર પડશે. ધતિંગબાજો લોકહિતમાં ખુલ્લા થાય તે સમયની માંગ છે. આઈ.એ.એસ. અશોક કાલરીયાએ ગામઠી ભાષામાં રસપ્રદ માહિતી આપી હતી.

નિવૃત કલેકટર પી. કે. ગઢવીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે રાજય-કેન્દ્રની સરકારોએ બંધારણને અનુલક્ષીને વિજ્ઞાન પ્રચાર-પ્રસાર, વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તેવા કાર્યો કરવા જોઈએ પરંતુ આજે પરિસ્થિતિ વિપરીત જોવા મળે છે.

ગાંધીનગર રેશનલ સમાજના પ્રમુખ ભાનુપ્રસાદ પુરાણીએ અંધશ્રદ્ધાથી અધોગતિ મળે છે તેના દાખલા આપ્યા હતા. જાથાને કાયમી ટેકો રહેશે તેવી વાત ઉચ્ચારી હતી.

ઉમિયા દર્શનના તંત્રી દિલીપભાઈ વાછાણીનું અદકેરૂ સન્માન એડી. ડી.જી.પી. ડૉ. મલ્લે તથા માહિતી ખાતાના વડા અશોક કાલરિયાએ જાથા વતી કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા મિત્ર મંડળે વાછાણીનું વિશેષ સન્માન કર્યું હતું.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ મિટીંગમાં જાહેરાત કરતાં જણાવ્યું કે વર્ષ ર૦૧૯ જાન્યુઆરીથી ગાંધીનગર-અમદાવાદમાં સક્રિય કામગીરી કરવામાં આવશે. દર મહિને બંને જિલ્લામાં એક સ્થળે વ્યાખ્યાન માળા યોજવામાં આવશે. વિસ્તારના લોકોએ ભય-ડર રાખ્યા વગર ધતિંગબાજોની માહિતી આધાર પુરાવા સાથે આપવાની વાત કરી હતી. ભોગ બનેલાને મહત્તમ ન્યાય મળે તે માટે જાથા પ્રયત્નો કરશે.

Previous articleJMP ગોપાલક વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાતે
Next articleડભોડામાં સિનિયર સિટીઝનનો સ્નેહમિલન સમારોહ યોજાયો