વિદર્ભે બીજી વાર ખિતાબ જીતીને રચ્યો ઇતિહાસ : સરવટેએ લીધી ૧૧ વિકેટ

636

રણજી ટ્રોફીમાં વિદર્ભે ઇતિહાસ રચી દીધો છે. વિદર્ભે ફાઇનલમાં સૌરાષ્ટ્રને ૭૮ રનથી હરાવીને બીજીવાર રણજી ટ્રોફીનો ખિતાબ કબજે કરી લીધો છે. આ  જીત સાથે વિદર્ભે સાબિત કરી દીધું છે કે ગયા વર્ષે ટીમને મળેલી જીત તુક્કો નહીં પણ આકરી મહેનતનું પરિણામ હતી. વિદર્ભને સૌરાષ્ટ્ર સામેની આ મેચ જીતવા માટે પાંચમા અને છેલ્લા દિવસે પાંચ વિકેટની જરૂર હતી. આ સામે જીત માટે ૨૦૬ રનના લક્ષ્યનો પીછો કરી રહેલી સૌરાષ્ટ્રની ટીમને વધારે ૧૪૮ રન જોઈતા હતા. વિદર્ભના કોચ ચંદ્રકાંત પંડિતે કહ્યું હતું કે દરેક એમ લાગી રહ્યું હતું કે ગયા વખતે અમે કોઈ મહેનત વગર જ ખિતાબ જીતી લીધો હતો. અમારા પર આ ખિતાબ જાળવી રાખવાનું દબાણ હતું પણ અમારું ફોકસ પ્રક્રિયા પર હતું. છેલ્લા દિવસે વિદર્ભના બોલરોએ સૌરાષ્ટ્રને ૧૨૭ રન પર આઉટ કરી દીધું હતું. ટીમના વિશ્વરાજ જાડેજા  (૫૨) અને કમલેશ મકવાણા (૧૪)એ પહેલા કલાક સુધી જાળવીને બેટિંગ કરી પણ આ જોડી તુટી પછી હાર નિશ્ચિત હતી. મેન ઓફ ધ મેચ એવા ડાબોડી સ્પિન આદિત્ય સરવટેએ આજે પાંચમાંથી ત્રણ વિકેટ લીધી. તેણે મેચમાં  ૫૭ રન આપીને ૧૧ વિકેટ લીધી જેમાં બીજી ઇનિંગની છ વિકેટોનો પણ સમાવેશ થાય છે. સરવટેએ બીજી ઇનિંગમાં ૪૯ રન બનાવીને સૌરાષ્ટ્ર સામે ૨૦૬ રનનું લક્ષ્ય મુક્યું હતું. વિદર્ભ ટુર્નામેન્ટના ઇતિહાસની એવી છઠ્ઠી ટીમ છે જેણે ખિતાબ જાળવી રાખ્યો છે. મુંબઈ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને દિલ્હીએ આ પહેલાં સતત બે વાર ખિતાબ જીત્યા છે.

Previous articleન્યૂઝિલેંડ વિરૂદ્ધ સીરીઝમાં ૨-૧ની જીતથી ટીમનું મનોબળ વધ્યુંઃ મિતાલી
Next articleસ્નૂકર ટૂર્નામેન્ટમાં ૫૪ વર્ષીય મહિલા બની નેશનલ ચેમ્પિયન