એક અભ્યાસ પ્રમાણે નરેન્દ્ર મોદી અને ભાજપ ફરી સત્તા પર આવવાની પ૦ ટકા જ શકયતા

759

ગ્લોબલ ઇન્વેસ્ટર અને લેખક રુચિર શર્માએ લોકસભા ચૂંટણીને લઈ એક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની ફરી સત્તામાં આવવાની સંભાવના ૫૦ ટકા જ છે. ‘ડેમોક્રેસી ઓન ધ રોડઃ એ ૨૫ યર જર્ની થ્રૂ ઈન્ડિયા’નાં લેખક રૂચિર શર્માએ ભારતીય રાજનીતિ અને આગામી ચૂંટણીમાં હાર જીત અને લોકોના મૂડ અંગે એબીપી ન્યૂઝ સાથે વાત કરી હતી. રૂચિર અમેરિકામાં રહે છે અને તેમણે દિલ્હી, મુંબઈ તથા સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં શું થશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મોદી સત્તામાં આવશે કે નહીં તેની શક્યતા ૫૦-૫૦ ટકા છે. એક વર્ષ પહેલા જો તમે આ સવાલ પૂછ્યો હોત તો હું કહેત કે તેઓ બિલકુલ જીતી રહ્યા છે. ભારતનો એક રાજકીય ઈતિહાસ છે. અહીંયા એન્ટી ઇન્કમબેંસી જેવી એક ટર્મ હોય છે, જે ઘણું મહત્વ ધરાવે છે. મેં એક વર્ષ પહેલા પણ ૫૦-૫૦ની વાત કરી હતી, ૯૦ ટકા મોદી જ ફરી વડાપ્રધાન બનશે તેમ કહેતા હતા. ગુજરાત, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ભાજપને નુકસાન થશે.

પ્રિયંકાની એન્ટ્રીથી ચૂંટણીમાં શું અસર પડશે? જવાબ આપતાં કહ્યું કે, જ્યારે સોનિયા ગાંધી રાજનીતિમાં સક્રિય થયા હતા ત્યારે એવી ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી પણ રાજનીતિમાં આવશે. પાર્ટીના અનેક નેતા પણ આમ ઈચ્છતા હતા. સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઘણા ગાજ્યો હતો. વિપક્ષો સીધા જ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા હતા. તે સમયે જો પ્રિયંકા ગાંધી આવ્યા હોત તો કોંગ્રેસ આજે વધારે મજબૂત હોત. પરંતુ આજે રાજનીતિ ઘણી બદલાઇ ગઈ છે. કોંગ્રેસ પાસે ઘણો ઓછો સમય છે. થોડા દિવસો બાદ ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં પ્રિયંકા ગાંધીને લાવવાથી કોઈ ખાસ અસર નહીં પડે. જો પ્રિયંકા ગાંધી ગઠબંધન તરફથી વારાણસીથી ચૂંટણી લડશે તો ઘણો પ્રભાવ પડશે. જ્યારે તમામ પક્ષો ગઠબંધનમાં આવે છે ત્યારે ઘણી સફળતા મળે છે.

ભાજપને કેટલી સીટ મળશે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગત ચૂંટણીમાં તેમને ૩૧ ટકા વોટ મળ્યા હતા અને તેમને ૨૮૨ સીટ મળી હતી. આ પહેલા ક્યારેય ઇતિહાસમાં ૩૧ ટકા વોટથી પૂર્ણ બહુમત મળી હોય તેવું બન્યું નહોતું. વિપક્ષો અલગ-અલગ હતા તેથી આમ થયું હતું. આ વખતે ગઠબંધન સાથે છે, આ સ્થિતિમાં ભાજપને સીટો ઓછી મળશે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને આવશે તેમ બધા માને છે. કેટલી સીટ આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ બધું ૨૦-૩૦ સીટ પર જ નિર્ભર રહેશે. અમે ફરી એક વખત લોકો વચ્ચે જઈશું અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું.

Previous articleસરકાર ડકેતીનું કામ ન કરે, મોદીજીનાં ઇશારે કાયદાનું ઉલ્લંધનઃ પ્રવિણ તોગડિયા
Next articleકોંગ્રેસ ચૂંટણી પહેલા વર્ગવિગ્રહ ફેલાવવા પ્રયાસ કરે છેઃ ભાજપા