ઠંડી વધવાની સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો તોળાતો ખતરો

799
guj17122017-5.jpg

ઓખી વાવાઝોડાના પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વાવાઝોડાની અસર દૂર થયા બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સ્વાઇન ફલૂનો ખતરો તોળાઇ રહ્યો છે તેના પગલે આરોગ્યતંત્રને સજ્જ બનાવાયું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજ્યમાં સપ્ટેમ્બર સુધીમાં ૫ હજાર જેટલા લોકો સ્વાઈન ફ્લૂની ઝપટમાં આવ્યા હતા. જ્યારે ૪૦૦થી વધુ મોત થયા હતા.જો કે સપ્ટેમ્બર પછી સ્વાઈન ફ્લુથી કોઈ મોત થયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહે આરોગ્ય વિભાગ તરફથી ડોક્ટરોની એક બેઠક બોલાવાઇ હતી, જેમાં સ્વાઇન ફલૂના સંભવિત ખતરા સામે કેવા પ્રકારની કામગીરી કરી શકાય તે બાબતે ચર્ચા હાથ ધરાઇ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં સ્વાઇન ફલૂ કંટ્રોલમાં છે. અત્યારે ઠંડીની સિઝન શરૂ થઇ છે, તેની સાથે-સાથે ગત સપ્તાહે વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે હવામાં ભેજનું પ્રમાણ ૬૦ ટકાથી વધારે થયું હતું. કમોસમી વરસાદ પણ પડ્યો હતો અને તેના કારણે વાઈરલ બીમારીઓએ જોર પકડ્યું છે. શરદી અને ખાંસીના દર્દીઓમાં જબ્બર વધારો થયો છે. આ પરિસ્થિતિ અને વાતાવરણ સ્વાઇન ફલૂને પ્રસરવા માટે અનુકૂળ છે. સ્વાઇન ફલૂના સંભવિત ખતરા સામે આરોગ્ય વિભાગ એલર્ટ થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા શરદી-ખાંસીના દર્દીઓને ગંભીરતાથી લેવા માટે ડોક્ટરોને જણાવાયું છે.
આ ઉપરાંત શંકાસ્પદ દર્દીઓના કેસમાં તેમને તુરત જ હોસ્પિટલમાં દાખલ કરવા અંગે પણ સૂચનાઓ અપાઇ છે. ત્રણ મહિના પહેલાં સ્વાઇન ફલૂએ હાહાકાર મચાવ્યો હતો. સ્વાઇન ફલૂ પોઝિટિવ દર્દીઓનો આંકડો અમદાવાદ શહેરમાં જ ૧૦૦ની સંખ્યા પાર કરી ગયો હતો. શિયાળામાં અને 
ખાસ કરીને ડબલ ઋતુની સિઝનમાં સ્વાઇન ફલૂ વકરે છે. ઓગસ્ટ માસમાં સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તાબડતોબ શરૂ કરાયા હતા, પરંતુ કેસમાં ઘટાડો થતાં વોર્ડ બંધ કરાયા હતા. તાજેતરમાં ગાંધીનગરમાં સ્વાઇન ફલૂનો એક શંકાસ્પદ કેસ નોંધાતાં ફરી એક વોર્ડને કાર્યરત કરી દેવાયો છે.
ગત સપ્તાહે ૩ર વર્ષીય એક મહિલા અને ગઇ કાલે અન્ય એક વ્યક્તિનો સ્વાઇન ફલૂનો શંકાસ્પદ કેસ નોંધાયો છે, જેના પગલે ફરી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. મોટા ભાગે દર વર્ષે શિયાળાની સિઝનમાં સ્વાઇન ફલૂના કેસ વધુ પ્રમાણમાં નોંધાયા છે, તેમાંય વરસાદી સિઝને ખતરામાં વધારો કર્યો છે.

Previous articleઅનઅધિકૃત નંબર પ્લેટવાળા વાહનોને ૫૦૦નો દંડ કરાશે
Next articleગુજરાત ઈલેકનશન  હાર જીત