વેઈટિંગ લિસ્ટ શૂન્ય કરવા શહેરમાં નવા ૫૬૦ સરકારી આવાસ બંધાશે

705

પાટનગરમાં નોકરી કરતા કર્મચારીઓની સંખ્યાની સામે સરકારી આવાસની ઘટને પુરવા અને પ્રતિક્ષા યાદીને શૂન્ય કરવા માટે હાથ ધરાયેલી આ યોજના અંતર્ગત નવા ટેનામેન્ટના બદલે એપાર્ટમેન્ટ બાંધવા યોગ્ય સ્થળની પસંદગીનો સવાલ ઉકેલાયો છે. સેક્ટર ૫ની પસંદગી કરાયા પછી હવે સેક્ટર ૬માં નવા એપાર્ટમેન્ટ બંધાશે. જ્યાં ૫૬૦ જેટલા આવાસ માટે વિભાગે આયોજન કરી લીધું છે.તેના કારણે આગામી સમયમાં શહેરમાં નવા આવાસો જોવા મળશે.

આ અંગે વિભાગે સેક્ટર ૨૯ અને સેક્ટર ૭માં બી અને સી પ્રકારના ફ્‌લેટ ટાઇપ આવાસ માટે ૭ માળના ટાવર બાંધ્યા છે અને તેની ફાળવણી કરી દેવાઇ છે. સેક્ટર ૩૦માં વધુ ટાવર બાંધવાની કામગીરી ચાલુ રાખી છે.

ભૂકંપ પ્રતિરોધક બાંધકામ સાથે રાંધણ ગેસ પાઇપલાઇન, ગાર્ડન, લિફ્‌ટ્‌સ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વાહન ર્પાકિંગ સહિતની સુવિધા શરૂઆતી આયોજનમાં જ સમાવી છે. પરિણામે કર્મચારીઓના પરિવારને પણ વ્યાપક અનુકૂળતા મળશે.

પ્રથમ તબક્કે ૨ હજાર જેટલા બિસ્માર આવાસ તોડી પાડીને નવા આવાસ માટે જરૂરી જમીન હાથવગી કરાયા પછી ફ્‌લેટ ટાઇપ આવાસ યોજના હાથ ધર્યાના કારણે જમીનની બચત થતી હોવાથી તે જમીન આગામી દિવસોમાં ધારાસભ્યો, સંસદસભ્યો અને સનદિ અધિકારીઓને મફતના જેવા ભાવથી આપવામાં સરળતા રહેશે. ૩૩૦ ચોરસ મીટર જેવા વિશાળ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક હેતુના પ્લોટ સાવ રાહત ભાવે આપવાની જોગવાઇ વર્ષોથી અમલમાં હોવાથી હવે શહેરના સેક્ટરોમાં ખાલી પ્લોટ પણ બચ્યા નથી.જોકે શહેરમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને આવુ આયોજન કરવામા આવ્યુ હોવાનુ પણ જણાવવામા આવ્યુ છે.

સરકારે ફ્‌લેટ ટાઇપ આવાસ માટે રૂપિયા ૩૨૫ કરોડના ખર્ચને મંજુરી આપી છે અને આવાસ બાંધવાની યોજનામાં સૌ પ્રથમ નાના કર્મચારીઓ માટેના આવાસ બાંધવાનું શરૂ કરાયું છે. જેમાં દોઢરૂમ રસોડું ધરાવતા બી ટાઇપ અને ૨ રૂમ રસોડુ ધરાવતા સી ટાઇપ ફ્‌લેટનો સમાવેશ થાય છે.

કુલ ૧૭૭૦ પૈકી ૫૬૦ ફ્‌લેટ તૈયાર કરી સેક્ટર ૭માં ૨૮૦ ફ્‌લેટની ફાળવણી કરી દીધી છે. અહીં બીજા ૫૬ ફ્‌લેટ બંધાઇ રહ્યાં છે. સેક્ટર ૨૯માં ૨૮૦ ફ્‌લેટ તૈયાર છે, તેની ટુંક સમયમાં ફાળવણી કરાશે અને અહીં બીજા ૧૬૮ ફ્‌લેટનું તથા સેક્ટર ૩૦માં ૩૩૬ ફ્‌લેટનું બાંધકામ ચાલી રહ્યું છે. તેના કારણે આગામી થોડા દિવસોમાં હવે પાટનગરમાં નવા બાંધકામ વાળા આવાસો જોવા મળી રહેશે આ માટે હાલ તંત્ર દ્વારા તમામ આયોજનોને આખરી ઓપ આવી રહ્યો છે.

Previous articleગ્રીન બુકને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ
Next articleગાંધીનગર ઇન્સિ. ઓફ ટેકનોલોજી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન