મુખ્યમંત્રીના સરકારી નિવાસનો ભાજપની બેઠક માટે ઉપયોગ આચાર સહિંતાનો ભંગ : ચોમેર ચર્ચા

776

ભાજપના ૭૨ નિરીક્ષકોએ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો ઉપર સેન્સ લેવાની કામગીરી શનિવારે સાંજે પૂર્ણ કરી છે. હવે રવિવારથી સળંગ ત્રણ દિવસ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે. ભાજપે આ બેઠક માટે કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય- શ્રી કમલમને બદલે મંત્રી નિવાસના સરકારી બંગલા નંબર ૨૯ ઉપર પસંદગી ઉતારી છે. ભાજપની આવી ચેષ્ટાથી આદર્શ આચાર સંહિતા ભંગનો વિવાદ થાય તો નવાઈ નહી.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષતામાં ગુજરાત પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારોનો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ થાય છે. ચૂંટણી જાહેર થયા પછી સરકારી પદાધિકારી હોય કે રાજકિય નેતા સરકારી મિલકતોનો રાજકિય ઉપયોગ થઈ શકતો નથી. ભાજપના નેતાઓ તેનાથી વાકેફ હોવા છતાંયે છડેચોક મંત્રી નિવાસમાં જ સંભવિત ઉમેદવારોને શોટ લિસ્ટની રાજકીય વૃત્તિ માટે એકાદ કલાક નહી પણ સળંગ ત્રણ દિવસની બેઠક બોલાવતા ચૂંટણી પંચ તંત્ર દંગ થઈ ઊઠયું છે.

ભાજપના આંતરિક વર્તુળોમાં થતી ચર્ચા મુજબ સાંસદો સામે પહેલાથી નારાજગી હતી. તેવામાં સત્તા બચાવવા કોંગ્રેસી પેરાશૂટોને મંત્રીપદે બેસાડાયા છે. લોકસભા ચૂંટણીમાં પણ વધુ પેરાશૂટો થોપી દેવાય તેવી શક્યતાને કારણે કેસરિયા બ્રિગ્રેડ લાલઘૂમ છે. જો બોર્ડની બેઠક કમલમ્‌ હોય તો ત્યાં નારાજ આગેવાનોના ટોળા ફાવી જાય તેવી દહેશતને કારણે ગુજરાતમાં સૌથી સલામત એવા મંત્રી નિવાસમાં આયોજન થયુ છે.  ચૂંટણી પંચનો સંપર્ક કરતા એક અધિકારીએ કહ્યુ કે, ભાજપના નેતાઓ દ્વારા ન્યૂઝ ચેનલ સમક્ષ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંગે આપેલા નિવેદન જાણમાં આવ્યા છે. રવિવારના ઘટનાક્રમ પર નજર રહેશે. વર્ષ ૨૦૦૭થી તમામ ચૂંટણીમાં આચારસંહિતાના અમલ દરમિયાન ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ અડાલજ સ્થિત શાંતિ નિકેતનમાં મળ્યું છે. કરોડોના ખર્ચે કોબામાં તૈયાર આલીશાન શ્રી કમલમ્‌ કાર્યાલયે પણ આ બેઠક થઈ શકે તેમ છે. છતાંયે મંત્રી નિવાસમાં માંડવા બંધાતા કાર્યકરોમાં કંઈક ગરબડ હોવાની શંકા વધુ મજબૂત થઈ છે.

મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ. મુરલી ક્રિષ્નાએ આદર્શ આચાર સંહિતા સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો છે. જેના પાના નંબર ૪માં મુદ્દા નંબર ૮માં કોઈ પણ પક્ષ કે ઉમેદવારો સરકારી રહેણાંક આવાસ તો દૂર રહ્યુ પણ તેના આંગણાંનો ઉપયોગ પ્રચાર, કચેરી કે ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.

Previous articleસરકારી અતિથિગૃહોમાં ૪૮ કલાકથી વધુ સમય રૂમ નહીં મળે
Next articleદલાલ સ્ટ્રીટમાં આશાસ્પદ સ્થિતિ વચ્ચે જોરદાર તેજી રહેવાના સંકેતો