પાટીદારોના વિશ્વઉમિયાધામમાં હશે મંદિર સિવાય ૧૩ સુવિધાઓ

603

અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોના કુળદેવી મા ઉમિયાનું વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતા મંદિર બનાવા જઈ રહ્યું છે. પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ વિઘામાં ૧ હજાર કરોડના ખર્ચે વિશ્વઉમિયા ધામ સંકુલનું નિર્માણ થશે જેમાં આધ્યાત્મ અને શિક્ષણની સાથે વ્યાવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી વ્યવસ્થા અને ભવનો બનશે. આ વિશ્વઉમિયા ધામ સંકુલનું સોમવારે ઁસ્ મોદીના હસ્તે ભૂમિપૂજન છે જેમાં ૫ લાખ પાટીદારો ઉમટશે.

પાટીદારો એટલે કૃષિ સાથે સંકળાયેલ દેશનો સૌથી મોટો સમુદાય. ધરતી સાથે જોડાયેલા અને સદીઓથી ખેતીને જ મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારતાં રહેલાં પાટીદારોની આવનારી પેઢીઓ પણ કૃષિ સાથે જોડાયેલ રહી શકે અને તેઓને સમગ્ર સમુદાયના કૃષિ અંગેના જ્ઞાન અને અનુભવનો લાભ મળી શકે તે માટે  ખાસ કૃષિ અને સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે.

આ કેન્દ્રનો લાભ સમગ્ર દેશના કિસાનોને મળશે જ્યાંથી તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન મેળવી શકશે. કડવા પાટીદાર ખેડૂતોને પોતાના પાકની મહત્તમ કિંમત મળી રહે તેમજ તેઓને વિવિધ સરકારી યોજનાઓ અને સબસીડીનો લાભ મળે તે માટે ખાસ કડવા પાટીદાર ખેડૂત સહકારી સંઘની રચના કરવામાં આવશે.

ગુજરાતે સમયાંતરે પૂર અને ભૂકંપ જેવી વિવિધ કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે. આવી કટોકટીના સમયમાં ખાસ કરીને સમાજના જરૂરિયાતમંદ વર્ગની પરિસ્થિતિ વધુ દયનીય બની જતી હોય છે. આવા સમયે જે તે કુદરતી આપત્તિની સામે રક્ષણ કે સહાય માટે જરૂરી સાધન સામગ્રી ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડી શકે તેવા સ્વયંસેવકો તૈયાર કરવાને પોતાની નૈતિક ફરજ માનીને  ખાસ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં સમાજના યુવાન સ્વયંસેવકોને જરૂરી તાલીમ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આજના દોડધામભર્યાં જીવનમાં મહદ અંશે લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરતાં હોય છે. સમાજના યુવાધનને એક સ્વાસ્થ્યસભર જીવનશૈલીની ભેટ આપવા માટે  ખાસ સ્વાસ્થ્ય અને રમત-ગમત સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આપણા દેશના પ્રધાનમંત્રીના ‘ખેલેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’ અભિયાનનું સમર્થન કરતાં આ અત્યાધુનિક સંકુલમાં જિમ્નેશીયમ, સ્વીમીંગ પુલ, મલ્ટિપર્પઝ સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ તેમજ ઇન્ડોર સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ હશે.

જનમાત્રને પોસાય તેવા દરે વિશ્વ-સ્તરીય તબીબી સુવિધાઓ મળી રહે તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અદ્યતન તબીબી સંભાળ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં પ્રાથમિક તબીબી સારવારની સાથે ગામડેથી કે વિદેશથી ઓપરેશન અર્થે આવતા દર્દીઓની પ્રિ એન્ડ પોસ્ટ ઓપરેટીવ તબીબી સારવાર અને સંભાળની ખાસ વ્યવસ્થા હશે.

પાટીદારોને વિશ્વભરમાં જે સફળતા અને સિદ્ધિઓ સાંપડી છે તેના મૂળમાં મા ઉમિયાની કૃપાની સાથે સાથે વડીલોના આશીર્વાદ પણ રહેલાં છે. વડીલોનું આ ઋણ સ્વીકારીને તેઓ માટે કંઈક ઉમદા કરવાના આશય સાથે ખાસ સિનિયર સિટીઝન્સ ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે જેમાં કડવા પાટીદાર પરિવારોના વડીલો પોતાનો સમય ગુણવત્તા યુક્ત પ્રવૃત્તિઓમાં વ્યતીત કરી શકે, અન્ય વડીલો સાથે સંપર્કમાં રહી શકે અને તેઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે ખાસ એક્ટિવિટી હૉલ, લાફીંગ ક્લબ, ફિઝીયોથેરાપી સેન્ટર અને ઈન્ટરેક્ટિવ કમ્યુનિટી હૉલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

પાટીદારો વિશ્વના કોઈપણ ખૂણામાં વસ્યા હોય તેઓ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સદાય જોડાયેલા રહે છે અને એટલે જ તેઓના કુળદેવી એવા મા ઉમિયાના આ ધામ સાથે તેઓનું જોડાણ નિશ્ચિત છે. એટલે જ ખાસ એન.આર.આઈ પાટીદાર પરિવારો માટે ખાસ પંચતારક હોટેલને સમકક્ષ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બહુમાળી એન.આર.આઇ. ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ એન. આર.આઈ ભવનમાં વિદેશથી ધાર્મિક, સામાજિક કે વ્યાવસાયિક કારણો માટે આવતાં કડવા પાટીદાર પરિવારો માટે રહેવા અને જમવાની વિશેષ વ્યવસ્થા હશે. જ્યાં શ્રદ્ધા છે, સંગઠન છે, સશક્તિકરણ છે ત્યાં સફળતા ન હોય તે શક્ય જ નથી.

સમાજની એકતા અને પરસ્પરના વિશ્વાસને વ્યાવસાયિક સિદ્ધિઓમાં પરિવર્તિત કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વ્યવસાય અને રોજગાર ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં વિવિધ ક્ષેત્રોના નાના, મધ્યમ તેમજ વિકસિત વ્યાપારોનું પરસ્પર જોડાણ કરીને પ્રગતિની નવીન તકોનું નિર્માણ કરવામાં આવશે. પોતાના વ્યાપારમાં સફળતાના શીખરો પર પહોંચેલા અનુભવી અને નિપુણ ઉદ્યોગકારો ના વ્યૂહાત્મક માર્ગદર્શન શકી પાટીદાર ઉદ્યોગ સાહસિકોના વ્યાપારોને વૈશ્વિક સ્તરે વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

Previous articleશિવરાત્રિના ફળાહાર માટે બજારમાં શક્કરીયાં-બટાકાનું આગમન
Next articleચિલોડા પાસેથી ૩૮ લાખના દારૂ સાથે ૨ની ધરપકડ