સાબરમતી નદીના વહેણમાં મહાકાય મગર તણાઇ આવતા લોકોમાં ભયઃ વન વિભાગ દ્વારા ચેતવણી

2789

દાંતા પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના વહેણમાં મહાકાય મગર તણાઇ આવ્યો છે. જેથી વનવિભાગે સ્થાનિકોને ચેતવણીરૂપ બોર્ડ લગાવી સુચના આપી છે. શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોને લઇ મહિલાઓ નદીકાંઠે જતા મુંઝવણમાં મુકાઇ છે. મગર જોઇ ગયેલા લોકો ફફડાટમાં આવતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ બન્યો છે. બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના માકણચંપા ગામે સાબરમતી નદીના વહેણમાં મહાકાય મગર આવી ગયો છે. અગાઉ નદીમાં મગર ન હોવાથી સ્થાનિકો અવાર-નવાર ન્હાવા-ધોવા માટે જતા હતા. જોકે, ભારે વરસાદને પગલે માકણચંપા ગામેથી પસાર થતી નદીમાં મગર દેખાં દેતા વનવિભાગે ચેતવણી આપી છે.

નદીના કાંઠે બોર્ડ લાગાવી સ્થાનિકોને નદીમાં નહિ ઉતરવા સુચના આપવાની નોબત આવી છે. નદીમાં મગર હોવાની જાણ થતા વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઇ ગઇ હતી. આ સાથે વનવિભાગને ખબર પડતા તાત્કાલિક અસરથી બોર્ડ લગાવી નદી નજીક નહી જવા ચેતવણી આપી છે. જેના પગલે સ્થાનિકોમાં ભય અને ફફડાટનું વાતાવરણ બન્યુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, હાલમાં દશામાંના વ્રત સહિતના તહેવારો હોઇ મહિલાઓને નદીએ જવાનુ થાય છે. જોકે, મગર આવી જતાં શ્રધ્ધાળુઓ બરોબરના મુંઝવણમાં મુકાયા છે.

Previous articleરિલાયન્સ ચોકડી પાસે ૨ નકલી કિન્નરોને લોકોએ મેથીપાક ચખાડ્‌યો
Next articleડીસાના વાસણા ગોળીયા ગામના ખેડૂતે ઈન્ટરનેટથી ખેતી શીખી ૫ વિઘામાં ડ્રેગન ફૂડની સફળ ખેતી કરી