ઈન્ફોસીટી અને જીઆઈડીસી સહિતના મોટા બાકીદારો સામે મનપા કડક હાથે કામ લેશે

501

કરવેરાની આવકનો રૂપિયા ૩૦ કરોડનો લક્ષાંક સિદ્ધ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવ્યાના પગલે ટેક્સ બ્રાન્ચ હરકતમાં આવી ગઇ છે અને હવે બાકીદારો પાસેથી નાણાં મેળવવા માટે એકમોને તાળા મારવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જોકે કેટલાક વ્યાપારી અને ઔદ્યોગિક એકમને મહાપાલિકા તાળા મારે તે પહેલા સંચાલકો દ્વારા બાકી રકમનો ચેક આપી દેવામાં આવતાં તાળાબંધી મોકૂફ રાખવામાં આવે છે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે ટેક્સ બ્રાન્ચની ટીમ દ્વારા આગામી દિવસોમાં ઇન્ફોસિટી અને જીઆઇડીસી વિસ્તારમાં જુના બાકીદારો સામે તાળા મારવા સહિતની કાર્યવાહી કરાશે.

ટેકસ બ્રાન્ચના સુત્રોના જણાવવા પ્રમાણે ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલા બાકીદાર એકમને સીલ મારવા માટે મ્યુનિસિપલ કમિશનરને અપાયેલી દરખાસ્તને મંજુરી મળી ગઇ છે. તેવી જ રીતે જીઆઇડીસીમાં પણ બાકીદાર એકમને સીલ કરવા સંબંધે મંજુરી અપાઇ છે.

આગામી દિવસોમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. દરમિયાન સેક્ટર ૨૬ની જીઆઇડીસીમાં વિવિધ એકમ પાસેથી ૧૦ લાખની કર વસૂલાત માટે સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. જોકે કેટલાક એકમોના સંચાલકો તો સીલીંગની કાર્યવાહીની સ્થિતિ આવે ત્યારે જ બાકી રકમના ચેક આપવા માટે ટેવાઇ ગયેલા છે.

હવે જ્યારે આ મામલે મ્યુ. કમિશ્નરે સ્પષ્ટ તાકિદ કરી છે ત્યારે આગામી દિવસોમાં મનપા વધુ કડક વલણ અપનાવે તેમ લાગે છે.

મહાપાલિકાએ તાજેતરમાં બાકીદારોને નોટિસ ફટકારવાની અને કાયદેસર કરવાની ચિમકી આપવાની ઝુંબેશ ચલાવ્યા પછી રોજની ૧૦થી ૧૫ લાખ જેવી બાકી રકમની વસૂલાત આવવી શરૂ થઇ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કરવેરાની વસૂલાતનો ૨૫ કરોડનો લક્ષાંક લેવામાં આવ્યો હતો. તેની સામે ફેબ્રુઆરીના અંત સુધીમાં મહાપાલિકાની કરની આવક ૨૦ કરોડ પર પહોંચી છે.

કરવેરાની બાકી વસૂલાત ૫ કરોડ થવા જાય છે. તેમાં સરકારી કચેરીઓનો સમાવેશ પણ થતો હોવાનું ટેક્સ બ્રાન્ચમાંથી જાણવા મળ્યું છે. તેમાં વાઇબ્રન્ટ પ્રદર્શની મતલબ કે ઇન્ટેક્ષ્ટ બી હસ્તકના હેલિપેડ ગ્રાઉન્ડનો સમાવેશ પણ થાય છે. ઉપરાંત બીએસએનએલ અને ઉદ્યોગ ભવનમાં આવેલી સરકારી કચેરીઓનો સમાવેશ થતો હોય તમામને નોટિસ આપી દેવાઇ છે.

Previous articleગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શાસ્ત્રીય અને ઉપ-શાસ્ત્રીય સંગીતનું આયોજન
Next articleમકાનના ધાબાઓ પર ૧.૬૩ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન