સોશિયલ મીડિયામાં  પક્ષો વચ્ચે નૈતિક અધઃપતનની હોડ જામશે

605

‘મસૂદ અઝહર બડી બેસબ્રી સે અપને આઈએસઆઈ આલા સે નયે ગુપ્ત સ્થાનકી સુચના કા ફોન આયે ઉસકા ઈંતેજાર કર રહા હૈ. તભી ઉસકે મોબાઇલ કી ઘંટી બજતી હૈ..હેલ્લો કૌન, મસૂદને પૂછાપહાંજી હમ આમ આદમી પાર્ટી સે બોલ રહે હૈ. ઇલેક્શન કમિશનને મતદાતા સૂચિ સે આપકા નામ કટવા લિયા હૈ..

ઉપરોક્ત પ્રકારના સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ફરી રહેલા મેસેજિસના માત્ર પ્રતીકાત્મક ઉદાહરણો છે. આના કરતાં પણ ગલિચ અને ગંદકી ફેલાવતા, તદ્દન જુઠ્ઠા હોય, વ્યક્તિ, પાર્ટી વગેરેની મશ્કરી નહીં પરંતુ તેમના ચરિત્ર્ય હનન કરતાં પણ હલકી કક્ષા કહેવાય તે સ્તરના મેસેજિસ, મેમેસ, જીફ્‌સ અને વીડિયો ક્લિપ્સ ફરવા માંડયા છે. આ તો હજુ શરૂઆત છે. જેમ જેમ લોકસભાની ચૂંટણીના પ્રચાર આગળ વધતાં જશે, તબક્કાવાર મતદાન થશે તેમ રાજકીય પક્ષોના આકલન બદલાશે તેમ આ સોશિયલ મીડિયા અને જાહેર સભાઓ, જાહેર સંવાદો, ચર્ચાઓનું સ્તર, ભાષા અને ગુણવત્તા હજુ પણ ગલિચ થવાનો ભય છે.

આનું મુખ્ય કારણ એ છે કે, આ વખતની લોકસભાની ચૂંટણી અત્યંત હાઇ-સ્ટેક્સ ઇલેક્શન મનાય છે. ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં જીત મેળવી ૨૦૧૪ની કારમી હારનો બદલો લેવા કોંગ્રેસ પાર્ટી ઉત્તરોત્તર આક્રમક બનતી જાય છે. બીજી તરફ, રાફેલ, બેરોજગારી, રામમંદિર જેવા મુદ્દાઓ પર પ્રમાણમાં ઘેરાયેલા ભાજપ માટે સત્તા જાળવી રાખવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. એટલે સુધી કે પુલવામામાં ૪૪ સૈનિકોની આતંકવાદી હુમલામાં શહીદી બાદ પાકિસ્તાન સામે કરેલી એર સ્ટ્રાઇકના મુદ્દે પણ દેશમાં લોકલાગણી અને અભિપ્રાય અંકે કરવામાં જોઈએ તેવી સફળતા ન મળી હોવાનું ય ભાજપ અનુભવે છે.

એટલે જ અત્યંત કુખ્યાત થયેલ આઈટી સેલ અને તેના ટ્રોલ આર્મીને યુદ્ધના ધોરણે સક્રિય થઈ જવા ભાજપમાંથી સૂચના મળી હોવાનું ય માનવામાં આવે છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સુધી ભાજપએ જે પ્રકારે સફળતા પૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો તેના જ પરથી હવે તમામ પક્ષો આક્રમક રણનીતિ અપનાવી ભાજપને જ હંફાવી રહ્યા છે. સાચું, ખોટું, સારું, ખરાબ, નૈતિક, અનૈતિકપ કંઈપણ સોશિયલ મીડિયામાં ચલાવી દેવાનું ભાજપનું જ હથિયાર હવે તેના પ્રતિસ્પર્ધી પક્ષો તેની સામે ઉગામી રહ્યા છે.

પરિણામે, ભાજપને લાગે છે કે, ઓવરઓલ પોલિટિકલ નરેટિવ તેની વિરુદ્ધ જાય તે પહેલાં જ નરેટિવ સેટ કરી લોકોને માત્ર ભાજપ-નરેન્દ્ર મોદીની આસપાસ ના જ મુદ્દે વિચારતા, માનતા, બોલતા કરી દેવા. સામે વિરોધ પક્ષો પણ ભાજપને હંફાવવા તેના જ સ્તરે ઊતરવા થનગને છે. એટલે જ આ વખતનું પ્રચારયુદ્ધ આક્રમક હોવાની સાથે ગંદકીભર્યું હોય તો નવાઈ નહીં.

Previous articleજયનારાયણ વ્યાસે ભાજપાનો ખેસ પહેરવા નનૈયો ભણ્યો
Next articleભાજપના હરિભાઈ ચૌધરીના કામો અંગેના બોર્ડને જનતાનો કુચડો