ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં જાહેરનામાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારનું ફોર્મ ન ભરાયું

608

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આજથી ચૂંટણી પંચના જાહેરનામાની અમલવારી શરૂ થઇ ગઇ છે. તા. ૨૮ માર્ચ, ૨૦૧૯ના દિવસમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. તેમજ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા મતદાર વિભાગના કુલ- ૧૯, ૨૦, ૮૦૭ મતદારો છે. ૧૯૭૨ મતદાન મથકો છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર  એસ.કે.લાંગાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં કુલ મતદારોમાં ૬૧.૩૮ ટકા સ્ત્રી અને ૬૮.૫૫ ટકા પુરુષ મતદારો છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ તા. ૪ એપ્રિલ, ૨૦૧૮ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ છે. તેમજ તા.૦૫ એપ્રિલ, ૨૦૧૯ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તા. ૦૮ એપ્રિલ, ૨૦૧૯ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ૨૩મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ મતદાન થશે.

વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે,  તા. ૨૫મી માર્ચ, ૨૦૧૯ના રોજ રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ ઇ.વી.એમ. રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. ઇ.વી.એમ. વિધાનસભા મત વિભાગને ફાળવી આપવામાં આવ્યા છે.  તા. ૨૭મી માર્ચ, ૨૦૧૯ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. સિંગલ વિન્ડો સિસ્ટમની રચના થકી માત્ર પાંચ થી છ કલાકના ટુંકા સમયમાં રેલી, સભા, સરધસ, લાઉડસ્પીકર, હેલીકોપ્ટર જેવી પરવાનગી આપવામાં આવી રહી છે. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ૮૮૪ હથિયારો સામે ૭૯૭ હથિયારો જમા કરવામાં આવ્યા છે. બાકીના ૫૧ હથિયારોને કેમ મુક્તિ આપવામાં આવી છે, તેની પણ વિગતો આપી હતી. ઉમેદવારો ફોર્મ ભરવા આવશે, ત્યારે તેમને કયા કયાં જાહેરનામાનું પાલન કરવાનું રહેશે, તેની વિસ્તૃત માહિતી આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.કે.લાંગાએ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગની ટુંકી માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- ૧૨,૧૪,૧૫૫ મતદારો છે. જેમાં ૧૮ થી ૧૯ વય જૂથના નોંધાયેલા મતદારોની સંખ્યા ૧૯, ૬૧૪ છે. શારીરિક રીતે અક્ષમ મતદારો ૧૧, ૧૬૪ છે. તે ઉપરાંત થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા ૩૭, સર્વિસ વોટર ૮૯૯ છે. જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા માટે કુલ- ૬,૦૭૨ કર્મયોગીઓ કામ કરશે. હાલમાં ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૧,૩૭૯ મતદાન મથકોની સંખ્યા છે.

અગાઉ ૧,૩૪૨ મતદાન મથકો હતો, જેમાં ૩૭ મતદાન મથકોનો વધારો થયો છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે કુલ- ૪૦ એફ.એસ.ટીની ટીમો, ૨૦ વી.એસ.ટી.ની ટીમો કાર્યરત છે. ૨૩ ચેક પોસ્ટ પર એફ.એસ.ટી.ની ટીમો ચેકીંગનું કામ કરી રહી છે. જાહેરનામા બાદ એસ.એસ.ટીની ૨૦ ટીમો કાર્યરત બની છે. એમ.સી.સી હેઠળ કુલ- ૪ ફરિયાદો મળી હતી. ચારનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ.સી.સી. એટ એ ગ્લાન્સ અંતર્ગત ૨૪ કલાકમાં ૮૩૬, ૪૮ કલાકમાં ૭૫૦૬ સરકારી ઇમારતો/દિવાલો પર લખાણો, પોસ્ટરો, કટ આઉટ, હોર્ડિગ્સ, બેનર, ધજા અને પતાકા દૂર કરવામાં આવ્યા હતા. ૭૨ કલાકમાં કુલ- ૪૫૨ ખાનગી ઇમારતો પરની અનધિકૃત રાજકીય ખબરો વિગેરે દૂર કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ ૭૨ મળી કુલ ૬૪૯ એન.જી.આર.એસ અને ૯૫૧ ડી.સી.સી એટેન્ડ કરી છે. તે ઉપરાંત ષ્ઠ ફૈંય્ૈંન્એપ્લીકેશન અંતર્ગત ૧૪ ફરિયાદો મળી હતી. આ તમામ ફરિયાદનો નિકાલ માત્ર ૧૦૦ મિનિટની અંદર કરવામાં આવ્યો છે. આ પત્રકાર પરિષદ બાદ જિલ્લા કલેકટર  એસ.કે.લાંગા, અધિક નિવાસી કલેકટર  એચ.એમ.જાડેજાઅને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  વિપુલ ઠક્કર સહિત મીડિયા કર્મીઓએ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી.

Previous articleભાજપે અમિત શાહના રોડ શો અને સ્વાગત રૂટનો કાર્યક્રમ જાહેર કર્યો
Next articleકમલમ્‌ ખાતે ભાજપનું મહામંથનઃ લોકસભા ચૂંટણી લડવા અંગે નીતિન પટેલે કર્યો ખુલાસો