અમિત શાહનું ૨૫ કિમી શક્તિ પ્રદર્શન, કેન્દ્રીય નેતાઓ રાજનાથ, ગડકરી, ઉદ્વવ ઠાકરે હાજર રહેશે

1192

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે ૩૦મીએ ફોર્મ ભરવા જઇ રહ્યા છે, ત્યારે શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. જેમાં એનડીએના સાથી પક્ષો સહિતના નેતાઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી,  રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે, પ્રકાશસિંહ બાદલ સહિતના નેતાઓ હાજર રહેશે. જેમાં ભાજપ દ્વારા અમિત શાહના નારણપુરાના ઘરથી માંડીને ગાંધીનગર સુધી ૨૫ કિમી લાંબા રૂટ પર રોડ શો અને માનવ સાંકળ રચવામાં આવશે. અમિત શાહના ઉમેદવારી પત્ર ભરવાના શક્તિ પ્રદર્શનમાં એક લાખથી વધુ લોકોને એકઠા કરવા માટેનો પ્લાન ગુજરાત ભાજપે નક્કી કર્યો છે. જેને અમલી બનાવવા માટે ગુજરાત ભાજપ સરકાર, સંગઠન અને સહકાર ક્ષેત્ર તમામને કામે લગાડી દેવામાં આવ્યા છે.

આવતીકાલે ૩૦મી માર્ચે અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર તરીકે વિજય મૂહુર્તમાં બપોરે ૧૨ના ૩૯ ફોર્મ ભરવાના છે, જેના માટે તેઓ રોડ શો કરીને ફોર્મ ભરવા જશે. આ રોડ શો માટેની એક લાખથી વધુની સંખ્યા ભેગી કરવા માટે ગુજરાત ભાજપના અમદાવાદ સહિતના તમામ ધારાસભ્યોને સંખ્યા લાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત ભાજપના પ્રદેશ સંગઠન ના આગેવાનોને પણ દરેક જિલ્લા તાલુકામાંથી સંખ્યા લાવવા માટેનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે આની સાથે વર્ષોથી સહકાર અને ક્રિકેટ ક્ષેત્રમાં અમિત શાહ સંકળાયેલા હોવાથી આ ક્ષેત્રના લોકોને પણ અમિત શાહના રોડ-શોમાં હાજરી આપવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

રોડ શોને સફળ બનાવવા માટે છેલ્લા બે દિવસથી ભાજપના પ્રદેશ નેતાઓથી માંડીને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રભારી ઓમ માથુર પણ સતત બેઠકો કરીને રણનીતિ ઘડી રહ્યા છે. અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના રોડ શોના કાર્યક્રમ પાછળ એક એવું પણ રાજકીય ગણિત મંડાઈ રહ્યું છે.અમિત શાહ પણ નરેન્દ્ર મોદી જેટલા જ લોકપ્રિય છે. તેમના ટેકામાં હજારો લોકો જોડાઈ શકે છે તેવો એક માહોલ ઊભો કરવા માટેનું આ શક્તિ પ્રદર્શન હોવાનું જણાય છે. અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવાના રોડ શો અને શક્તિ પ્રદર્શનને આધારે દેશભરમાં ભાજપને મેસેજ પણ આપવા માંગતા હોવાનું જણાય છે.

Previous articleલોકસભા ચૂંટણીને લઇ પ્રાંતિજમાં પોલીસની ફ્‌લેગમાર્ચ
Next articleઓનલાઇન નોંધાયેલા ૨૦૦ પૈકી ૪૫ ખેડૂતે ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કર્યું