ચૂંટણીપંચના જાહેરનામા મુજબ મતદાન મથકની ૧૦૦ મીટર ત્રિજયામાં મોબાઈલ પર પ્રતિબંધ

661

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની જાહેરાત કરાઈ છે. ચૂંટણી પંચે પણ નિષ્પક્ષ અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તેના માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

ચૂંટણી પંચના જાહેરનામા મુજબ મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ નામ અને સરનામા વગરના ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપવા સામે પણ ચૂંટણી પંચે લાલ આંખ કરેલી છે.

ગુજરાતમાં આગામી ૨૩ એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સાથે જ રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોનું પણ મતદાન યોજાવાનું છે. લોકસભા ચૂંટણીનું પરિણામ ૨૩ મેના રોજ જાહેર કરાશે.

મતદાન મથકો પર શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન યોજાય અને મતદારો કોઈ પણ ત્રાસ કે અવરોધ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુ સાથે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોના અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા અને તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ ૨૩ એપ્રિલના રોજ મતદાન શરૂ થાય ત્યારથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે. આ આદેશનો ભંગ કરનારી વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleગરમીનો પારો વધુ ઊંચકાતા લોકો ત્રાહિમામ, રાજકોટમાં યેલો એલર્ટ
Next articleટ્રેલરમાં ભીષણ આગ લાગતા આર્મીની જીપ બળીને ખાખ