પીએમ મોદી, સંઘ અને ભાજપ દક્ષિણ ભારતીયોના વિરોધી : રાહુલ

451

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળની વાયનાડ લોકસભા સીટ માટે ઉમેદવારીપત્ર ભર્યું. ત્યારબાદ તેઓએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે રોડ શો પણ કર્યો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો સામેલ થયા. રોડ શો બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું કેરળ એટલા માટે આવ્યો છું જેથી અહીંના લોકોને સંદેશ આપી શકું કે દેશ તેમની સાથે ઊભો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ અને બીજેપીની વિચારધારા દક્ષિણ ભારતના લોકોની વિરુદ્ધ છે. હું સંદેશ આપવા માંગું છું કે નોર્થથી પણ લડીશ અને સાઉથથી પણ લડીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત એક દેશ છે. એક સંસ્કૃતિ છે. આ સંદેશ આપવા વાયનાડ આવ્યો છું.કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, હું સમજી શકું છું કે સીપીએમના મારા ભાઈ-બહેનો હવે મારી વિરુદ્ધ નિવેદન આપવા લાગ્યા છે અને મારી પર હુમલો કરી રહ્યા છે. પરંતુ હું આ સમગ્ર કેમ્પેન દરમિયાન તેમની વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલું.રાહુલે વાયનાડને પોતાની પરંપરાગત અમેઠી બેઠક ઉપરાંત બીજી બેઠક તરીકે પસંદ કરી છે. આમ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડનારા ગાંધી પરિવારના તેઓ ત્રીજા સભ્ય બન્યા છે. અગાઉ ઈન્દિરા ગાંધી ૧૯૭૮માં ચિકમંગલુર તેમજ ૧૯૯૮માં સોનિયા ગાંધી બેલારી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની રણનીતિને પગલે કોંગ્રેસ અહીંના લઘુમતિ મતોનું ધ્રુવીકરણ કરવા પ્રયાસ કરશે. આ ઉપરાંત વાયનાડ બેઠક ત્રણ રાજ્યો કેરળ, તામિલનાડુ અને કર્ણાટકને જોડતી હોવાથી રાજકીય રીતે વધુ મહત્વ ધરાવે છે. વાયનાડ બેઠક પર ૨૩મી એપ્રિલે ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.

આ બેઠક પરથી એનડીએના સહયોગી ભારત ધર્મ જન સેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપલ્લીએ બુધવારે ફોર્મ ભર્યું હતું.

કોંગ્રેસના રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ ડાબેરીઓ તેમજ ભાજપે તેમની ભારોભાર ટીકા કરી હતી.

Previous articleછત્તીસગઢમાં નક્સલીઓનો આતંકઃ ૪ BSF જવાન શહિદ
Next articleરેપો, રિવર્સ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો