કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ

89

૨૯ દેશમાં ૩૭૩ કેસ : ઓમિક્રોનને લઈને ભારત સરકાર વધુ સતર્ક બની : કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં કોરોનાના ૧૦ હજારથી વધુ સક્રિય કેસ છે, દેશના ૫૫ ટકા કેસ આ બે રાજ્યમાંથી આવ્યા
નવી દિલ્હી, તા.૨
કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની ચિંતાને કારણે ભારત સરકાર પહેલા કરતા વધુ સતર્ક બની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા છે. આ બંને કેસ કર્ણાટકના છે. અત્યાર સુધીમાં લગભગ ૨૯ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના ૩૭૩ કેસ નોંધાયા છે. સાથે જ દેશના કોરોના કેસ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં કોરોનાના ૧૦ હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના ૫૫ ટકા કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં હાલમાં કોવિડના ૯૯,૭૬૩ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડના ૯,૭૬૫ નવા કેસ નોંધાયા છે. રસીકરણ વિશે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીમાં અમે દેશમાં લોકોને કોવિડ રસીના ૧૨૫ કરોડથી વધુ ડોઝ આપ્યા છે. ૮૪.૩ ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને ૪૫.૯૨ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. સંયુક્ત આરોગ્ય સચિવે કહ્યું કે વિશ્વ હજી પણ કોવિડના કેસોમાં તેજી જોઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વના ૭૦ ટકા કેસ યુરોપમાંથી આવ્યા છે. એક સપ્તાહમાં યુરોપમાં ૨.૭૫ લાખ કોવિડ કેસ નોંધાયા છે અને યુરોપમાં એક સપ્તાહમાં ૨૯,૦૦૦થી વધુ લોકોનાં મોત નોંધાયા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleરાજ્યમાં હજુપણ બે દિવસ વરસાદી માહોલની આગાહી