મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના ભરોસાનું અપમાન કર્યું છે : મોદી

194

(સં. સ.સે.) કોલકાતા, તા. ૭
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના પ્રવાસે છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી. કોલકાતાના બ્રિગેડ મેદાનમાં આ રેલી યોજાઈ હતી. પીએમ મોદીના ભાષણ પહેલા જ મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા અને તેમણે પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો. પીએમ મોદીએ ભારતમાતા કી જયના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી.
પીએમ મોદીએ કહ્યું કે આજકાલ અમારા વિરોધીઓ કહે છે કે હું મિત્રો માટે કામ કરું છું. આપણે બધા જાણીએ છીએ કે બાળપણમાં આપણે જ્યાં મોટા થયા, બાળપણમાં જ્યાં ખેલ્યા, જેમની સાથે અભ્યાસ કર્યો, તેઓ આપણા જીવનભરના પાક્કા મિત્રો હોય છે. હું પણ ગરીબીમાં ઉછર્યો, આથી તેમનું દુખદર્દ શું છે, પછી ભલે તેઓ હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે કેમ ન હોય, કારણ કે તેઓ અમારા મિત્ર છે, હું તેમને સારી પેઠે અનુભવી શકુ છું. આથી હું મિત્રો માટે કામ કરું છું અને મિત્રો માટે જ કામ કરતો રહીશ.
પીએમ મોદીએ કહ્યું કે બંગાળના ચાવાળા, અહીંના ચાના બગીચામાં કામ કરનારા ભાઈ બહેન મારા ખાસ મિત્રો છે. મારા આવા કામોથી તેમની પણ અનેક પરેશાનીઓ ઓછી થઈ રહી છે. અમારી સરકારના પ્રયત્નોથી મારા આ ચાવાળા મિત્રોને સોશિયલ કનેક્ટિવિટી સ્કિમ્સનો પણ લાભ મળવો નક્કી થયું છે. કોરોનાએ સમગ્ર દુનિયામાં બધાને પરેશાન કર્યા પરંતુ મારા આ ગરીબ મિત્રો જ હતા જે ખુબ પરેશાન થયા.
જ્યારે કોરોના આવ્યો તો મે મારા દરેક મિત્રને મફતમાં રાશન આપ્યું. મફતમાં ગેસ સિલિન્ડર આપ્યું અને કરોડો રૂપિયા બેંક ખાતામાં જમા કરાવ્યા. દુનિયામાં કોરોના રસી કેટલી મોંઘી છે. પરંતુ મે મારા મિત્રો માટે સરકારી હોસ્પિટલમાં મફતમાં રસી લગાવવાની વ્યવસ્થા કરી છે. મારા તમે બધા મિત્રો જણાવો, કે દોસ્તી ચાલશે કે ટોળાબાજી?
રેલીની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજનીતિક જીવનમાં મને સેંકડો રેલીઓ સંબોધિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે પરંતુ આટલા લાંબા કાર્યકાળમાં આટલા વિશાળ જનસમૂહના આશીર્વાદનું દ્રશ્ય મને આજે જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે આ ગ્રાઉન્ડે અનેક દેશભક્તોને જોયા છે પરંતુ આ ગ્રાઉન્ડ બંગાળના વિકાસમાં રોડા અટકાવનારાઓનું પણ સાક્ષી રહ્યું છે. બંગાળની ભૂમિને ૨૪ કલાક બંધ અને હડતાળમાં ઝોંકી દેનારાઓની નીતિઓ અને ષડયંત્ર આ ગ્રાઉન્ડે જોયા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે બંગાળે પરિવર્તન માટે મમતાદીદી પર ભરોસો કર્યો હતો પરંતુ દીદીએ આ ભરોસો તોડી નાખ્યો. આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું. અહીંની બહેનો દીકરીઓ પર અત્યાચાર કર્યા પરંતુ આ લોકો બંગાળની આશા કયારેય તોડી શક્યા નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં એક બાજુ ટીએમસી છે, લેફ્ટ, કોંગ્રેસ, છે જેમનું બંગાળ વિરોધી વલણ છે અને બીજી બાજુ બંગાળની જનતા પોતે કમર કસીને ઊભી થઈ ગઈ છે. આજે બ્રિગેડ ગ્રાઉન્ડમાં તમારો હુંકાર સાંભળ્યા બાદ હવે કોઈને પણ કોઈ શંકા રહેશે નહીં. કદાચ કેટલાક લોકોને તો એવું લાગશે કે આજે ૨જી મે આવી ગઈ છે. ભારતમાતાના આશીર્વાદથી સોનાર બાંગ્લાનો સંકલ્પ જરૂર સિદ્ધ થઈ જશે.
બ્રિગેડ ગ્રાઉન્ડથી પીએમ મોદીએ કહ્યું કે આગામી ૫ વર્ષનો વિકાસ બંગાળના આવનારા ૨૫ વર્ષનો વિકાસનો આધાર થશે. ૨૫ વર્ષ બાદ દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ ઉજવશે તો બંગાળ ફરીથી સમગ્ર દેશને એકવાર ફરીથી આગળ લઈ જનારું બંગાળ બની જશે. હું અહીં તમને એવો વિશ્વાસ અપાવવા માટે આવ્યો છું કે અમે ખેડૂતો, વેપારીઓ અને બહેન-દીકરીઓના વિકાસ માટે આકરી મહેનત કરીશું. અમે તમારા સપના પૂરા કરવા માટે દરેક પળ કામ કરીશું.
પીએમ મોદીએ કહ્યું કે તમે એ સારી પેઠે જાણો છો કે અહીં લોકતાંત્રિક વ્યવસ્થા કેવી નષ્ટ થઈ ગઈ છે. ભાજપ અહીં લોકતાંત્રિક વ્યવસ્થા મજબૂત કરશે. અમે સરકાર, પોલીસ, અને પ્રશાસન પ્રત્યે જનતાનો વિશ્વાસ બહાલ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્રની અમારી સરકારે કોલકાતાની ધરોહરોને સંવારવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, જ્યારે કોલકાતામાં વિકાસનું ડબલ એન્જિન લાગશે તો તે રોડા પણ ખતમ થઈ જશે જે હાલ ડગલે ને પગલે આપણને અનુભવ થાય છે.
પીએમ મોદીએ કહ્યું કે ભાજપની સરકારમાં અહીં પરીક્ષાથી લઈને ટ્રેનિંગ અને ભરતી પ્રક્રિયામાં એક પારદર્શક વ્યવસ્થા ફરીથી ખડી થશે. અહીં નવી શિક્ષણ નીતિ ઉપર પણ ભાર મૂકાશે. એન્જિનિયરિંગ, ડોક્ટર અને ટેક્નિકલ શિક્ષણનો અભ્યાસ બાંગ્લા ભાષામાં થાય તેના પર ભાર મૂકાશે.
મમતા પર લાગતા પરિવારવાદના આરોપને ધાર આપતા પીએમ મોદીએ કહ્યું કે બંગાળની જનતાએ દીદીને પસંદ કર્યા હતાં પરંતુ તમે એક ભત્રીજાના ફોઈ બનીને જ કેમ રહી ગયા? દીદીએ નક્કી કરી લીધુ છે કે ન કરીશું, ન કરવા દઈશું. મમતા રાજમાં ગરીબ વધુ ગરીબ બની ગયા.
અભિનેતા મિથુન ચક્રવર્તી (સ્ૈંરેહ ઝ્રરટ્ઠાટ્ઠિર્હ્વિંઅ) મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા ગરમાવો વધી ગયો છે. મિથુન ચક્રવર્તી સાથે મંચ પર કૈલાશ વિજયવર્ગીય, શિવ પ્રકાશ, મુકુલ રોય સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ અગાઉ બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત થઈ હતી. વિજયવર્ગીયે આ અંગે ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી. આ મુલાકાત બાદ જ મિથુનની રાજકીય ઈનિંગ અંગે ચર્ચાઓને બળ મળ્યું.

Previous articleખેડૂતોનુ સન્માન જાળવવા સરકાર નવા કૃષિ કાયદામાં સુધારા કરવા તૈયારઃ કૃષિ મંત્રી
Next articleપ.બંગાળ ચૂંટણી : મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા