રાજ્યમાં હજુપણ બે દિવસ વરસાદી માહોલની આગાહી

132

રાજ્યના ૫૫ તાલુકામાં વરસાદી માહોલ : બોડેલીમાં ૪ કલાકમાં ૨૩એમએમ અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ
અમદાવાદ , તા.૨
આજે રાજ્યના ૫૫ તાલુકાઓમાં વરસાદી માહોલ છે, જેમાં બોડેલીમાં ચાર કલાકમાં સૌથી વધારે ૨૩એમએમ વરસાદ થયો છે. આજે અને આગામી ૪ ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેવાની આગાહી છે. અરબી સમુદ્રમાં ઉભું થયેલું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથના ઉનાના નવાબંદરેથી ૬થી ૮ માછીમારો દરિયામાં બોટ તૂટી જવાના કારણે ગુમ થયા છે. જેમની હાલ સ્થાનિક વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થવાના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર નબળું પડ્યા બાદ વરસાદ વિરામ લેશે. આજે સવારના ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં સૌથી વધારે છોટાઉદેપુરના બોડેલીમાં ૨૩એમએમ વરસાદ નોંધાયો છે. આ પછી નર્મદાના તિલકવાડામાં ૧૯એમએમ અને ગરુડેશ્વરમાં ૧૯એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ૧૮એમએમ અને છોટાઉદેપુર તાલુકામાં ૧૮એમએમ વરસાદ થયો છે. આ સિવાય સુરતના માંગરોળમાં અને વડોદરાના ડભોઈમાં ૧૭એમએમ વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરુચ, વલસાડ, ડાંગ અને તાપીમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર લો પ્રેશરની અસર વર્તાઈ રહી છે, જેના લીધે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ માછીમારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે રાજ્યના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ થવાની આગાહી છે. જ્યારે ૩ અને ૪ ઓગસ્ટના રોજ રાજ્યના દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી છે. આ પછી કમોસમી વરસાદ વિરામ લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદના કારણે અમદાવાદ શહેર ઠંડુંગાર બન્યું છે, શહેરોમાં હિલસ્ટેશન જેવો માહોલ ઉભો થયો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદના કારણે ખેતી અને ઉભા પાકને નુકસાન થવાની ફરિયાદો ઉઠી રહી છે.

Previous articleકર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭૬૫ નવા કેસ નોંધાયા