દેવઓરમ કોમ્પલેક્સના ૮મા માળે આગ બાદ ૧૦૦ લોકોનું રેસ્ક્યૂ, બિલ્ડિંગ સીલ કરાશે

588

શહેરના આનંદનગરમાં હરણી સર્કલ પાસે આવેલા દેવઓરમ કોમપ્લેક્સના ૮મા માળે ભીષણ આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ૧૨ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે આગ લાગેલા ફ્‌લોર પરથી લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી આરંભી હતી.જેમાં હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કર્યો હતો. કોમ્પલેક્સમાં અનેક લોકો ફસાયા હતા. ધુમાડોને પગલે ફસાયેલા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી. અંદર ફસાયેલા ૧૦૦ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. તેમજ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે, ફાયર સેફટીના સાધનો હતા પરંતુ તે કાર્યરત નહોતા. બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી કરવામાં આવશે.

ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ધૂમાડાને પગલે અંદર ફસાયેલા લોકો ગૂંગળાયા હતા. જેમાં ૩ લોકોને રેસ્ક્યૂ કરીને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. આ સમયે૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બેભાન લોકોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગે ૧૦૦ લોકોનું રેસ્ક્યૂ કરીને તેમને બચાવી લીધા હતા. આ પહેલા આગને પગલે ફસાયેલા લોકોએ બારીના કાચ તોડીને બહારની સાઈડ દીવાલ પાસે ઊભા રહી ગયા હતા. બિલ્ડિંગમાં વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

કોમ્પલેક્સના ૮મા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફેલાઈને પાંચમા માળ સુધી પહોંચી હતી. ફાયર સેફ્‌ટીના સાધનો બંધઃ ભીષણ લાગી હોવા છતાં દેવ ઓરમ કોમ્પલેક્સના જવાબદારોએ ફાયર સેફ્‌ટીના સાધનોનો ઉપયોગ કરાય તેવી સ્થિતિમાં સાધનો રાખ્યા ન હોવાનું સામે આવ્યું છે.

Previous articleરખિયાલમાં કારમાંથી ૨.૨૬ લાખના દારૂ સહિત બે શખ્સ ઝડપાયા
Next articleઉનાળાના પ્રારંભે નવ વર્ષ બાદ સાબરમતી સુકીભઠ્ઠ