ઉનાળાના પ્રારંભે નવ વર્ષ બાદ સાબરમતી સુકીભઠ્ઠ

611

સતત જીવંત રહેતી સાબરમતી નદી આ ઉનાળાના આરંભે જ સુકાઇ ગઇ છે. આવી સૂકી સ્થિતિ નવ વર્ષ અગાઉ માર્ચ-૨૦૧૦માં બની હતી. ત્યારે પણ સાબરમતી નદીમાં પાણી સુકાઇ ગયું હતું. આ નદી ઉપર ધરોઇ પાસે ડેમ આવેલો છે. જેમાંથી મહેસાણાના ૧૨૭ અને સાબરકાંઠાના ૫૦ ગામોને સિંચાઇ માટે પાણી અપાય છે, પરંતુ આ વર્ષે જળસ્તરને જોતાં પાણી મળવું મુશ્કેલ છે. ગત ચોમાસામાં ઉપરવાસમાં થયેલા ઓછા વરસાદના કારણે પાણીના આવરાના અભાવે નદી અત્યારે કોરીધાકોર પડી છે, રેતી ઉડી રહી છે.

નદી કિનારાના પર્યટન સ્થળ પર પ્રવાસીઓ ઘટ્યાઃ ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા અને પિકનિકની મજા માણવા આવતા હજારો પ્રવાસીઓને સાબરમતી નદીના હાલ બેહાલ જોઇ નિસાસા પડી રહ્યા છે. ઉત્તર ગુજરાતના લોકો માટે ઉનાળામાં સાબરકાંઠાના સપ્તેશ્વર મહાદેવ નજીક અને વડનગર તાલુકાના વાગડી ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીનો પટ વોટરપાર્કની ગરજ સારે છે. પરંતુ અત્યારે નદીમાં પાણી ન હોઇ ચકલુંયે ફરકતું નથી.

લોકોની રોજગારી પર ભારે અસર થશેઃ નદીમાં છબછબિયાં કરવાના શોખિનો ભૂલથી આવી જાય તો નદીનો રેતાળપટ્ટો જોઇ વીલા મોંએ પરત ફરવું પડી રહ્યું છે. આ ઉનાળામાં સપ્તેશ્વરમાં પ્રવાસીઓની સંખ્યા ૯૦ ટકા સુધી ઘટશે તેવો સ્થાનિકોનો અંદાજ છે. જેને લઇ પ્રવાસીઓ પર નિર્ભર સ્થાનિક લોકોની રોજગારી પર પણ અસર થશે. હાલ તો આંખોને ઠારતા ખળખળ વહેતા નિર્મળ જળનો નજારો જોવા આંખો તરસી રહી છે.

Previous articleદેવઓરમ કોમ્પલેક્સના ૮મા માળે આગ બાદ ૧૦૦ લોકોનું રેસ્ક્યૂ, બિલ્ડિંગ સીલ કરાશે
Next articleકાળઝાળ ગરમીના કારણે લોકસભાનો પ્રચાર સાવ નીરસ, મતદાન ઓછું થવાની શક્યતા