રાજ્યમાં ગામડાનું ઉંચુ મતદાન ભાજપને ફળશે કે કોંગ્રેસને?ઃ ચર્ચાએ જોર પકડ્યું

936

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણીમાં આ વખતે શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ઊંચું મતદાન કરતા ભાજપના નેતાઓએ હવે આ બેઠકોની નવેસરથી સમીક્ષા શરૂ કરી છે. રાજ્યની સાત જેટલી બેઠકો પર ગ્રામ્ય વિસ્તારના મતદારો હાર- જીતનો ફેંસલો કરે છે. ગામડામાં પાણીની અછત, પાકવીમા, જમીન માપણી જેવા મુદ્દે ખેડૂતો, પશુપાલકોમાં પહેલાથી જ સરકાર સામે રોષ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભાજપના ૧૫૦ બેઠકો મેળવવાના મિશનને તોડી પાડ્યું હતું અને કમળ ૧૦૦ બેઠકોની અંદર સીમટાઇ ગયું હતું. અમદાવાદ- ગાંધીનગરની ત્રણ, મહેસાણા, વડોદરા, ભરૂચ, સુરત, બારડોલી, નવસારી, વલસાડ, ભાવનગર, જામનગર, રાજકોટ એમ ૧૩ લોકસભા બેઠકોમાં સૌથી વધારે શહેરી, અર્ધ શહેરી મતદારો છે. જ્યારે બાકીની ૧૩ પૈકી ૭ લોકસભા બેઠકોમાં સૌથી વધુ ગ્રામ્ય મતદારો છે. કચ્છમાં ભુજ- ગાંધીધામ શહેરીક્ષેત્રમાં ૫૮ અને ૫૩ ટકા મત પડયા છે. તેના કરતા સામે અબડાસા, માંડવી, અંજારમાં મતદાન વધ્યું છે. લોકસભામાં પાટીદારોના વર્ચસ્વવાળા મોરબી ૬૩ ટકા વોટ પડયા છે.

મોરબીમાં વિધાનસભા બેઠક કૉંગ્રેસ પાસે છે જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠકમાં પાલનપુર- ડીસા શહેરમાં સૌથી ઓછું મતદાન થયું છે. થરાદ, દિયોદર, ધાનેરા, દાંતા, વાવના ગામોમાં ઊંચું મતદાન થયું છે. થરાદને બાદ કરતા બાકીના પાંચેય વિધાનસભા મતક્ષેત્રો કૉંગ્રેસના છે. પાટણ બેઠકમાં ચાણસ્મા, પાટણ, સિદ્ધપુરના અર્ધ શહેરી ક્ષેત્રોમાં કરતા ગ્રામ્ય બુથોમાં મતદાન વધ્યુ છે. વડગામ, કાંકરેજ, રાધનપુરમાં ૬૨-૬૫ ટકા મતો પડયા છે. ચાણસ્મા અને ખેરાળુને બાદ કરતા બાકીની પાંચ વિધાનસભા બેઠકો કૉંગ્રેસ પાસે છે.

એવી જ રીતે સાબરકાંઠા લોકસભા બેઠકમાં હિંમતનગર, ઈડર જેવા અર્ધ શહેરી મતક્ષેત્રો સામે ખેડબ્રહ્મા, ભિલોડા, બાયડ, પ્રાંતિજ જેવા આદિવાસી, ખેતી, પશુપાલન ક્ષેત્રે સકંળાયેલાં મતદારોનું ત્રણથી પાંચ ટકા મતદાન વધ્યું છે.

ભાજપ શાસિત જૂનાગઢના શહેરી વિસ્તારમાં જ ૬૦ ટકા મતદાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૬૩ થી ૭૦ ટકા સુધી મતદાન થયું છે. અમરેલી લોકસભા બેઠકમાં મુખ્ય શહેર ઉપરાંત સાવરકુંડલા જેવા નાના શહેરોને સમાવતી વિધાનસભાઓ કરતા મહુવા, રાજુલાના ગ્રામ્યક્ષેત્રોમાં વોટિંગ વધ્યું છે.

છોટાઉદેપુરમાં ભાજપના ગઢ હાલોલમાં ૭૩ ટકાની સામે કૉંગ્રેસ પાસે રહેલા નાંદોદ, પાદરા, જેતપુર, છોટાઉદેપુર એમ ચાર વિધાનસભાના સાવ ગ્રામ્ય, આદિવાસી મતક્ષેત્રમાં જ સરેરાશ ૭૩ ટકા વોટ પડયા છે.

Previous articleખાનગી બસની બ્રેક ફેલ થતાં ખીણમાં ઉતરી મોટી દુર્ઘટના ટળી,૧૦ લોકોને સામાન્ય ઇજા
Next articleરાજ્યમાં કાળઝાળ ગરમી : ૮ સ્થળ પર લાગી ભીષણ આગ