રાજ્યમાં કાળઝાળ ગરમી : ૮ સ્થળ પર લાગી ભીષણ આગ

822

કાળઝાળ ગરમીથી રાજ્ય સેકાઈ રહ્યું છે, ત્યારે  બળતામાં ઘી હોમવા જેવી ઘટનાઓ સામે આવી છે, એટલે કે, ઉત્તર ગુજરાતમાં ૬ અને અમદાવાદમાં ૨ આગની ઘટના સામે આવી છે. આ આગની ઘટનાઓમાં કોઈ મનુષ્યની જાનહાની તો નથી થઈ પરંતુ, અરવલ્લી જીલ્લામાં વીજ કંપનીની બેદરકારીના કારણે બે અબોલ વાછરડાં આગમાં ભડથુ થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. સાથે આ ઘટનાઓમાં લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. તો જોઈએ ક્યાં-ક્યાં આગની ઘટના બની.

સૌપ્રથમ અરવલ્લી જીલ્લાની વાત કરીએ તો, ભિલોડાના વક્તાપુર અને વાંસેરા ગામ નજીક ડુંગરે આગ લાગી હતી. ભીષણ આગ બન્ને ગામોની નજીક આવી જતા ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. ભર બપોરે કાળઝાળ ગરમીમાં આગથી ગામને બચાવવા ગામલોકોની ભારે જહેમત રંગ લાવી અને આગ પર ગ્રામજનોએ જાતે જ કાબુ મેળવ્યો.

આ બાજુ બાયડના ચોઈલામાં એક તબેલામાં આગ લાગી હતી. વીજ કંપનીની બેદરકારીથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં બે વાછરડા આગમાં ભડથું થઇ ગયા હતા. સ્થાનિકો આગ પર કાબુ મેળવે તે પહેલા બે વાછરડા ભડથું થઇ ગયા. તબેલામાં આગથી પશુપાલકને એક લાખથી વધુ રૂપિયાનું નુકશાન પણ પહોંચ્યું છે.

તો ત્રીજી ઘટના ધનસુરાના વખતપુરા ગામેથી સામે આવી છે. અહીં એક રહેણાક મકાનમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા, ઘરની બાજુમાં પડેલી કાર પણ ઝપેટમાં આવી ગઈ, અને કાર સળગી ગઈ હતી. આગમાં ઘર અને કાર બળીને ખાખ થઈ ગયા. ગ્રામજનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો. જોકે, આગ લાગવાનું કારણ અહીં અકબંધ રહ્યું હતું.

સાબરકાંઠાની વાત કરીએ તો, અહીં ઈડરના મસાલ ગામે આવેલ અંતિમધામમાં આગ લાગી છે. અંતિમ ધામમાં આવેલ લાકડામાં આગ લાગી હતી. ડી.પી પાસે આવેલ હોવાથી વીજ તણખલાથી આગ લાગ્યાનુ તારણ કરવામાં આવી રહ્યું છે. ઈડર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

બનાસકાંઠાના અંબાજીમાં ટેન્ટનાં ગોડાઉનમાં આગ ભડકી હોવાની ઘટના સામે આવી છે, અંબાજી મંદિરની પાછળ અંબીકા ભુવનનાં પાછલા ભાગમાં આ આગ લાગી હતી. ટેન્ટની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ. મંદિર ટ્રસ્ટનાં ફાયરફાઇટરે આગને મહામહેનતે કાબુમાં લીધી. જોકે સદનસિબે કોઇ જાનહાની નથી થઈ. અહીં પણ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

આ બાજુ ગાંધીનગર જીલ્લાના ગીયોડમાં મંદિર પાસે એક વાનમાં અચાનક આગ લાગી હતી. મેઈન રસ્તા પર આગ લાગતા વાહન ચાલકો રોડ પર વાહનો લઈ ઉભા થઈ ગયા હતા, જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. શોર્ટ સર્કિટથી વાનમાં આગ લાગ્યાનુ પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદની વાત કરીએ તો, નિકોલ વિસ્તારની ઉમા સ્કૂલની સામે એક કારમાં આગ લાગી હતી. જોકે, સદનસિબે કોઈ જાનહાનિ નહીં થઈ. લોકોએ જામ કરતા ફાયરની ટીએમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

તો આ બાજુ અમદાવાદ નજીક બાવળા ચાંગોદર રોડ પર આવેલી એક પેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. આ ફેક્ટરી પૂંઠા બનાવવાની હતી જેને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયંકર હતી કે, ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

Previous articleરાજ્યમાં ગામડાનું ઉંચુ મતદાન ભાજપને ફળશે કે કોંગ્રેસને?ઃ ચર્ચાએ જોર પકડ્યું
Next articleગુજરાતમાં ગરમીનો કેર અકબંધ : પારો ૪૭