સાંતલપુરના આંતરિયાળ ૨૦ ગામના લોકાનો પાણી માટે રઝળપાટ

574

પાટણ જિલ્લાનું છેલ્લું એવાલ ગામથી લઈ નાના રણવાળા અંતરિયાળ ૨૦ જેટલા ગામડાઓમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે છતાં પ્રજાને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને ગામમાં પાણીના સ્થળો સુકાભટ ભાસી રહ્યા છે ત્યારે પ્રજા સહિત મહામુલુ પશુધન પાણી વિના પોકાર કરી રહ્યું છે ત્યારે ભરઉનાળે પાણી માટે મહિલાઓ ઝાડી ઝાંખરમાં ફરી પાણી મેળવતા દ્રશ્યો જળ એ જ જીવનના કથનને સાર્થક કરી સરકારના વિકાસની વાસ્તવિકતાનું પ્રતિબિંબ બતાવી રહ્યા છે.

પાટણ જિલ્લામાં વર્ષોથી પાણીને  ઝંખતો અંતરિયાળ વિસ્તાર વાળો સાંતલપુર તાલુકામાં આઝાદીના સાત દાયકા બાદ આજે પણ ગામડાઓમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. આ ગામોમાં પાણી પહોંચાડવા માટે નાખેલ પાઈપોમાં પાણીના સ્ત્રોત ઓછા હોઈ પાણી જ મળતું નથી તો કેનાલોમાંથી કરેલા કનેક્શન પણ કાપી લેવામાં આવતા મહદઅંશે મળતું પાણી ભરઉનાળે બંધ થઈ જવા પામ્યું છે ત્યારે પાટણ જિલ્લાનું છેલ્લુ ગામ એવાલમાં પણ પ્રજા માટે પાણી નથી ત્યારે આ ગામોમાં મોટાભાગે લોકો પશુપાલન આધારિત છે ત્યારે તેમના પશુઓને જીવાડવા માટે પાણી જ ના હોઈ અંતરિયાળ અને ઝાડ ઝાંખરીમાં રઝળપાટ કરી મહિલાઓ પાણી મેળવી રહી છે.

તેમજ જિલ્લાના લોટીયા ગામે પાણી ના હોઈ લોકો ગામ તળાવમાંથી પાણી પી રહ્યા છે અને આ તળાવમાં એક બાજુ પશુઓ નાહતા હોય છે અને બીજી બાજુ લોકો પીવા માટે પાણી ભરતા તેમજ કોઈ ગામમાં પાણીની લૂંટ તો વીરડો ગાળી પાણી ભરતી પનિહારીના પાણીના પોકાર કરતા વરવા દ્રશ્યો ગામની સમસ્યાનો ચિતાર બતાવે છે. આમ જિલ્લામાં ૨૦ જેટલા ગામોમાં હાલમાં પાણીની વિકટ સમસ્યાથી પીડાઈ રહ્યો છે ત્યારે તંત્રનો ૯ કરોડના પાણી અછત પ્લાન ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

અમે વર્ષોથી ગામમાં પાણી માટે વલખા મારીએ છીએ અને આસપાસ ક્યાંય પાણી ના હોઈ અમારે ના છૂટકે પાણી વહેચાતુ મંગાવવું પડે છે અને પાણીના પણ પૈસા આપવા પડે છે. અમે અનેકવાર અનેક લોકોને રજુઆત કરી છે પરંતુ પાણી મળ્યું જ નથી. જેથી અમે હવે કેટલાય વર્ષોથી પાણીના ટેન્કરવાળાઓ પાસેથી ખરીદીએ છીએ અને જીવનનિર્વાહ કરીએ છીએ.

લખાસર પરાના કનુભાઈ દરબાર ટેન્કરના માલિકે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાય સમયથી આ પરામાં પાણીનું ટેન્કર લઈને આવું છું. તેમને પાણી જ ના હોઈ હું આઠ, દશ કિલોમીટર દૂર કેનાલમાંથી ટેન્કરનું પાણી ભરી લાવું છું અને મારે પણ ડીઝલનો ખર્ચ થતો હોઈ સેવાના ભાગ ફક્ત ૪૦૦ રૃપિયા જ ટેન્કરના લોકો પાસેથી લઉં છું. મને મારો ખર્ચ ઉપરાંત થોડો નફો થાય છે જેથી સેવા સાથે વેપાર પણ થઈ જાય છે.

Previous article૩પ૦૦ શિક્ષકોને બોર્ડે નોટિસ ફટકારી
Next articleરબારી સમાજના ૧૪૦ સરકારી કર્મચારીઓ દીકરીઓને ભણાવવા ૩૦ લાખ પગાર દાન કરશે