અલ્પેશ ઠાકોરની વિદાય હવે ‘નિશ્ચિત’

682

કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઈને પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ કરવા બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવા વિધાનસભામાં વિપક્ષે કરેલી પિટિશન સબમિટ થઈ ગઈ છે. હવે તેમની સામે અધ્યક્ષની ચેમ્બરમાં જ કોર્ટની જેમ ટ્રાયલ પણ શરૂ થશે. આગામી સપ્તાહે બુધવારે કોંગ્રેસનુ ડેલિગેશન અધ્યક્ષને મળે ત્યારબાદ આ પ્રક્રિયા આરંભાશે.

ભારતના બંધારણની ૧૦મી અનુસૂચિના અનુચ્છેદ ૧૦૨ (૨) અને ૧૯૧ (૨)માં ચૂંટાયેલા જનપ્રતિનિધી પક્ષપલટો કરે, પક્ષની વિરૂધ્ધ પ્રવૃતિ કરે તો તેવા સંજોગોમાં જે તે ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકાય છે. આ પ્રક્રિયા માટે વિધાનસભા અધ્યક્ષ પાસે અધિકાર છે.

વિધાનસભા સચિવાલય માંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાધનપુરમા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની વિરૂધ્ધમાં કામ કર્યાના પુરાવાઓ સાથે આપેલી પિટિશન સ્વિકારી લેવાઈ છે.

આગામી સપ્તાહે બુધવારે કોંગ્રેસનુ પ્રતિનિધી મંડળ અધ્યક્ષને રૂબરૂ મળનાર છે. ત્યારબાદ આ પિટિશનમાં આવેલી વિગતો સાથે જેમની સામે પક્ષના મેન્ટેડ વિરૂધ્ધ વર્તણૂંકનો આરોપ છે તેવા રાધનપુરના ધારાસભ્ય સામે શો-કોઝ નોટિસ કાઢવામાં આવશે. બાદમાં બંને તરફના પક્ષો, તેમના સાક્ષીઓ, પુરવાઓને આધારે કોર્ટની જેમ જ ટ્રાયલ શરૂ થશે. પ્રક્રિયાને અંતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવુ કે કેમ તેનો નિર્ણય અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે. કોર્ટની જેમ બંને પક્ષે વકિલ પણ રાખવાની છુટ મળશે. ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના મેન્ડેટ વિરૂધ્ધ કામ કર્યુ છે તે જગજાહેર છે. આ સંજોગોમાં ભાજપમાંથી ચૂંટાયેલા, વિધાનસભામાં અધ્યક્ષ પદ ધારણકર્તા પૂર્વે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપનારા રાજેન્દ્ર ત્રિવેદી તટસ્થતા પુર્વક ન્યાય તોળશે ખરા? ઝડપી કાર્યવાહી કરશે કે કેમ તે મુદ્દે સવાલો ઉઠયા છે.

પક્ષાંતર, પક્ષ વિરૂધ્ધ પ્રવૃતિ મુદ્દે અલ્પેશ ઠાકોર સામે થનારી કાર્યવાહી પહેલવહેલ નથી ! ૯૦ના દાયકામાં જનતાદળના જશપાલસિંહ સામે પણ આ પ્રકારની કાર્યવાહી થઈ હતી. એ વખતે ઓછો સમય રહેતા તે પરિણામ સુધી પહોંચી નહોતી. ૧૫મી વિધાનસભા પાસે હજુ ૩ વર્ષ અને ૭ મહિનાનો સમય છે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો
Next articleહવે એકબીજાને લડાવી મોદી શાસન કરવા માંગે છે : માયા