ગઢડા(સ્વામીના) ટેમ્પલ બોર્ડની ચૂંટણી ભારે ઉત્તેજના વચ્ચે પૂર્ણ

971

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ પ્રસાદી સ્થાન ગઢપુર ગઢડા(સ્વામીના) મુકામે વિદ્યમાન ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી ભારે ઉત્તેજના પૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઇ હતી. છેલ્લા તેર વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહીની ચુંગાલના અંતે સુપ્રિમકોર્ટના આદેશ મુજબ નિવૃત હાઇકોર્ટ જજના એડમિનિસ્ટ્રેટર નીચે અને નિવૃત હાઇકોર્ટ જજની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રીયા હાથ ધરાઇ હતી. આ ચૂંટણી દરમિયાન ભારે ઉત્તેજનાના માહોલ વચ્ચે કોઇ અનિચ્છનિય બનાવ ના બને માટે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટીબોર્ડની ચૂંટણી માટે ત્યાગી વિભાગમાંથી બ્રહ્મચારીની બેઠક આચાર્યપક્ષે બિનહરીફ થતા સાધુ અને પાર્ષદ તથા ગૃહસ્થ વિભાગની ૪ મળી કુલ ૬ બેઠક માટે વર્તમાન શાસક આચાર્ય પક્ષ અને વિરોધપક્ષે દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણી દરમિયાન ૨૦ હજાર કરતા વધારે મતદારોની સંખ્યાને ધ્યાને રાખી શહેરમાં અલગ અલગ ૬ સ્થાનો ઉપર મતદારોને વિભાજીત કરી મતદાન પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી હતી. આ દરમિયાન બોગસ મતદાન ની સંભવનાને ધ્યાને રાખી મતદાતાના જરૂરી ઓળખ પત્રની ચકાસણી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ચૂંટણી અનુસંધાને એક દિવસ અગાઉથીજ ગઢડા શહેરમાં મતદાર હરિભક્તોની ચહલ પહલ શરૂ થઇ ગઇ હતી. તેમજ વહેલી સવારથીજ મતદાન મથકો ઉપર મતદારોની લાઇનો જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી દરમિયાન રાજકીય ચૂંટણીને ટક્કર મારે તેવો માહોલ ઉભો થયો હતો. જેના કારણે સુરત સહિતના વસ્તારોમાંથી બંને પક્ષો દ્વારા લકઝરી બસો દ્વારા મતદારોને મતદાન માટે પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવતા જાણવા મળતી વિગત અનુસાર ૧૫૦ કરતા વધારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ મતદારો માટે અલગ અલગ જગ્યાઓ ઉપર ઉતારા અને જમવા સહિતની સુવિદ્યા યોજવામાં આવી હતી. આ ચૂંટણીના અંતે આચાર્યપક્ષ તથા દેવ પક્ષ દ્વારા પોતાની જીતના દાવાઓ કરવામાં આવ્યા હતા. જ્યાંરે આ ચૂંટણી દરમિયાન આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મતદાર યાદીમાં હરિભક્તો ના હોય તેવા અને ક્યારેય ગઢડા ના આવ્યા હોય તેવા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરી ચૂંટણી જીતવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના કારણે મતદારની ઓળખ કરવા માટે ઓનલાઇન ઓળખપત્ર ચકાસણી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન બ્રાંચશાળા નં.૨ ખાતેથી એક ડમી મતદાર નરેશ મનસુખભાઇ ઠુંમર રહે યોગીચોક, શેરીનં.૨ સુરતવાળો કળથીયા ઘનશ્યામભાઇ વશરામભાઇ ના નામથી મત આપવા પ્રયાસ કરતા ઝડપાઇ ગયો હતો. જે બાબતે પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા ધોરણસરની પોલિસ ફરીયાદ કરતા ધરપકડ કરી બોગસ મતદાન બાબતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ચૂંટણી દરમિયાન મોડી સાંજ સુધી સામ સામા આક્ષેપ પ્રતિઆક્ષેપ અને હુરીયા બોલાવવાના ઉતેજક માહોલ અને પોલિસ હળવા લાઠીચાર્જ વચ્ચે એકદંરે શાંતિ પૂર્ણ ચૂંટણી સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો. આ ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરી મતદાન મથક નં.૧ નૂતન કન્યા વિદ્યાલય ખાતે ભારે સુરક્ષા વચ્ચે ખસેડી આજરોજ તા.૬ મે ના રોજ વહેલી સવારે ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીના અંતે સાધુ વિભાગના ૧૫૨ મતદારો પૈકી ૯૫ ટકા મતદાન, પાર્ષદ વિભાગમાં ૬૩ મતદારો પૈકી ૯૮ ટકા મતદાન અને ગૃહસ્થ વિભાગમાં ૨૦,૬૬૮ મતદારો પૈકી ૬૫ થી ૭૦ ટકા જેટલુ મતદાન થવા પામ્યુ હતુ.

Previous articleમહુવામાંથી ચોરીનાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેતી ભાવ.એસઓજી
Next articleપરશુરામ જન્મોત્સવ નિમિત્તે સિહોર ખાતે વિપ્રાભિવાદન યાત્રા