ગટરલાઇનના આડેધડ ખોદકામથી કલોલવાસીઓ પારાવાર મુશ્કેલી

498

ગટરલાઇનના આડેધડ ખોદકામથી કલોલ શહેરની પ્રજા ભારે પરેશાની ભોગવી રહી છે. તેની પાછળ મંદ ગતિથી ચાલતી કામગારી કારણભૂત માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ઝડપથી કામ પુરૂ કરવા માગણી ઉઠી છે. કારણે કે આગામી દિવસોમાં વરસાદના કારણે તકલીફોમાં બમણો વધારો થશે.

કલોલ શહેરના બળિયાના ફાટકથી હાડકા મિલ તરફના મુખ્ય માર્ગ ઉપર ગટર લાઇન નાંખવાનું કામ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. પરંતુ મંદ ગતિએ ચાલતા કામથી શહેરીજનો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

આ અંગેની વિગતો એવી છે કે છેલ્લા પાંચ માસથી હાડકા મિલ પાસેના મુખ્ય માર્ગો પર ગટર લાઇન નાંખવાનું કામ ચાલી રહ્યુ છે. તે હજુ સુધી પુરૂ નહીં થતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગટર લાઇન નાંખવા માટે ખાડા કરવામાં આવ્યા છે. જે મેઇન રોડ તેમજ રહેણાંક વિસ્તારમાં લોકોના ઘર પાસે કરવામાં આવ્યા છે. જેના કારણે સતત અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે. તે સંજોગોમાં કલોલ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ગટર લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતુ ન હોવાથી લોકોમાં અસંતોષ ફેલાયો છે. અગાઉ  આ ખાડામાં બે ગાય પડી જતા તેનાં મોત નિપજ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. ત્યારે આગામી ચોમાસા પહેલા ગટર લાઇનના ખાડા પુરવામાં આવે તેમજ લાઇનનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Previous articleભારતીય જુનિયર રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિર માટે ૩૩ ખેલાડીઓનું જાહેરાત
Next article૩૬ દિવસમાં રૂા.૮.૦૪ કરોડનો એડવાન્સ મિલકત વેરો વસુલાયો