જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી સંપન્ન

581

જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી આજરોજ ભારે ઉત્સાહ અને રસાકસીભર્યા વાતાવરણમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. વહેલી સવારથી જ હજારો હરિભકતો મતદાન માટે લાઇન લગાવી ઉમટયા હતા. રાધારમણ દેવ વહીવટી સમિતિની કુલ સાત બેઠકોની યોજાયેલી ચૂંટણીના મતદાન દરમ્યાન આજે મતદારોના ભારે ધસારા દરમ્યાન એક તબક્કે પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણ અને ધક્કામુક્કીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પ્રતિષ્ઠાભરી એવી આ ચૂંટણીની મતગણતરી હવે આવતીકાલે સોમવારે હાથ ધરવામાં આવશે. જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી માટે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢનાં સ્વામી મંદિરની શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતીની ચૂંટણી આજે સવારે ૮-૦૦ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી અને શરૂઆતના બે કલાકમાં સરેરાશ ૨૧ ટકા મતદાન નોંધાયું હતું. મોટી સંખ્યામાં હરિભકતો મતદારો મતદાન કરવા આવી પહોંચતા વ્યવસ્થા ખોરવાઈ હતી, જેને લઈને મતદારો અને પોલીસ વચ્ચે ધક્કામુકી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેથી એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે, રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની આ ચૂંટણી સીધી જ ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ યોજાઈ હતી. વહીવટી સમિતીની કુલ બેઠકો ૭ છે. જેમાં ગૃહસ્થ વિભાગની ૪ બેઠકો માટે ૧૪, સંત વિભાગની ૨ બેઠકો માટે ૫ અને પાર્ષદ વિભાગની ૧ બેઠક માટે ૫ ઉમેદવારો મેદાનમાં છે. આજે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે આવતીકાલે તા.૧૩ મી મેના રોજ સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઇ હરિભકતો અને સંતો-મહંતોમાં ભારે ઉત્સુકતા અને આતુરતા છવાયેલી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચાર બેઠક પર દેવ પક્ષ અને આચાર્ય પક્ષની પેનલના ચાર-ચાર ઉમેદવાર છે. જ્યારે ૬ અપક્ષ ઉમેદવાર મળી ગૃહસ્થ વિભાગમાં ૧૪ ઉમેદવાર છે. તેમાં કુલ મતદારો ૨૭,૭૦૦ છે. તેમજ પાર્ષદ વિભાગની એક બેઠક માટે બન્ને પક્ષના એક એક તથા ત્રણ અપક્ષ મળી કુલ પાંચ ઉમેદવાર છે. જ્યારે સાધુ વિભાગની બે બેઠક માટે બન્ને પક્ષના બે-બે ઉમેદવાર તથા એક અપક્ષ મળીને પાંચ ઉમેદવાર છે.

Previous articleરાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદથી ઉત્તેજના
Next articleઆરટીઇ, જિલ્લાની ૨૬૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ