સુરતની ઘટના બાદ તંત્ર જાગ્યુંઃ ફાયરની સુવિધા વગરના ૧૮૩ કલાસીસને નોટીસ આપી

772

સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા ચોથે માળેથી કૂદી પડેલા અને આગમાં લપેટાઈને મૃત્યુ પામેલા ૨૩  વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોતના બનાવને પગલે ફાયર બ્રિગેડની સેફ્ટી વગર ચાલતાં ૧૮૩ કલાસીસ કલાસીસને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ૧૦ કલાસીસને સીલ કરી દેવામાં આવ્યાં છે. સાથે જ ત્રણ જેટલા ક્લાસીસને અન્યત્ર શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે.

વડોદરાઃ વડોદરા શહેરના ખાનગી ટ્યૂશન ક્લાસીસની ફાયરસેફ્ટી તપાસવા ફાયર બ્રિગેડ દ્વારા સવારથી ઝુંબેશ શરૂ કરવામાં આવી. વડોદરા ફાયર બ્રિગેડના ૫ સ્ટેશન ઓફિસરના વડપણ હેઠળ પાંચ ટીમો દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસની તપાસ કરવામાં આવી રહી છે. જેને પગલે સ્ટેશન ઓફિસર એમ.એન મોઢ અને ટીમે ટેકનોલોજી ફેકલ્ટી પાછળ આવેલા ઇન્દુ ક્લાસમાં તપાસ કરતા બીજા માટે બારમા ધોરણના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર જણાયા હતા. ક્લાસમાં ફાયરસેફ્ટીની કોઇ સુવિધા નહીં હોય ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને બહાર કાઢી ક્લાસને સીલ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટઃ સુરતની ઘટના બાદ રાજકોટમાં તંત્ર પણ સક્રિય બન્યું છે. રાજકોટ શહેરમાં આઈએં-આઈપીએસ ટ્રેનિંગ સેન્ટરમાં જ ફાયર સેફટી નથી. શહેરમાં મનપાની ફાયર વિભાગની અલગ અલગ ૫ ટીમ દ્વારા વીર એકેડેમીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં યુપીએસસી, જીપીએસસી , ટેટ સહિતના કોર્સ કરાવતી વીર એકેડેમીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા જોવા મળી ન હતી. આ એકેડેમીના માલિક ખુદ્દ ભાજપનું સોશિયલ મીડિયા હેન્ડલ કરનાર નિશિત ત્રિવેદી છે. આ સાથે જ શહેરના ૬૬ ક્લાસિસ અને ૪ શાળા સિલ કરવામાં આવી છે. જ્યારે તમામ હોસ્પિટલમાં ચેકિંગ કરતાં હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યાં હતા.

અમદાવાદઃ સુરતના ક્લાસીસમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા શહેરમાં ફાયર વિભાગના અધિકારીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ધોળકામાં ૯ અને બાવળામાં ૧૫ જેટલા ફાયર સેફ્ટી વગરના એકમોને નોટીસ ફટકારી હતી. ફાયર વિભાગે શહેરમાં ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, હોટલો, ગેસ્ટહાઉસના સંચાલકોને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતુ.

તંત્ર દ્વારા ૧૫ દિવસ સુધી ફાયર સેફ્ટી લગાવવા આદેશ કર્યા છે અને જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનો ન લગાવવામાં આવે ત્યાં સુધી ક્લાસીસ શરૂ ન કરવા સુચના અપાઈ છે.

Previous articleફાયર સેફ્ટીના નિયમો નહીં પાળે તેની સામે ફોજદારી કાર્યવાહી કરાશે : વિજય નહેરા
Next articleઆગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ૩ વિદ્યાર્થીનું ધોરણ-૧૨નું પરિણામ