જિલ્લાનો ૫૮૫ હેક્ટર વિસ્તાર હરિયાળો બનાવવા ૪.૬૩ લાખ રોપાઓની વાવણી

606

વન વિભાગ દ્વારા જિલ્લાના ૫૮૫ હેક્ટર વિસ્તારને હરિયાળો બનાવવા માટે ૪.૬૩ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વૃક્ષારોપણ અંતર્ગત રોપાનું વાવેતર કરતી વખતે ઉધઇથી રોપાને નુકશાન થાય નહી તે માટે વન વિભાગ દ્વારા ઉનાળામાં આ વિસ્તારોમાં ખાડા ખોદાયા હતા. વન વિભાગ દ્વારા પ્રથમ સારા વરસાદ બાદ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાશે.

વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ વૃક્ષો વિના વેરાણ બનેલી જમીનને હરિયાળી બનાવવા માટે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જોકે વૃક્ષા રોપણમાં ગાંધીનગર જિલ્લાનો ૫૮૫ હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

જેમાં મુખ્ય માર્ગોની બન્ને સાઇડ, ખુલ્લી જગ્યાઓ, તળાવની કિનારે સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાશે. વૃક્ષો વિના બજંર બની ગયેલી જમીનને હરિયાળી બનાવવા માટે જિલ્લા વનવિભાગ દ્વારા ૪.૬૩ લાખ રોપાઓનું વાવેતર કરાશે. જિલ્લામાં જંગલ અને ખેતી એમ બે વિસ્તારોમાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે. જેમાં જંગલ વિસ્તારોમાં કણજી, વાંસ, જાંબુ, લીમડો, બેડા, પીંપળ, વડ, આંબો સહિતના કુલ ૪૫ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવશે તેમ જિલ્લા વન અધિકારી એસ.એમ. ડામોરે જણાવ્યું છે.

વન વિભાગ દ્વારા જિલ્લાને હરિયાળો બનાવવા માટે ૪.૬૩ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે. વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યા બાદ તેની જાળવણી માટે તારની ફ્રેન્સીંગ કરીને ચોમાસા બાદ સમયાંતરે પાણી આપવામાં આવશે. દરમિયાન પાટનગરમાં સ્વર્ણિમ પાર્ક તરીકે ઓળખાતા પાર્કમાં એવા વૃક્ષો ઉગાડાઇ રહ્યાં છે કે, મોસમ બદલતી રહે તો પણ તેમાં સતત ફૂલો છવાયેલા રહેશે. ૪-૪ની હારમાળામાં એક વૃક્ષમાં ફૂલોની મોસમ પૂરી થાય તે પહેલા બીજામાં ફૂલો આવશે અને તેની મોસમ જાય તે પહેલા ત્રીજામાં અને ત્રીજાની પૂરી થાય તે પહેલાં ચોથામાં ફૂલો મ્હોરી ઉઠશે.

મોટા વૃક્ષોની નીચે પ્લાઝા વિકસાવાઇ રહ્યાં છે. જેની નીચે બેસીને મૂલાકાતીઓ નિરાંતની પળો માણી શકશે. આમ સ્વર્ણિમ પાર્કમાં એક પછી એક આકર્ષણ ઉમેરાઇ રહ્યાં છે. મહાત્મા મંદિરથી વિધાનસભા સુધી વિકસાવવામાં આવેલા સેન્ટ્રલ વિસ્ટાને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ પાર્ક નામાભિધાન કર્યું હતું. માર્ગોની બન્ને સાઇડે ગરમાળા, ગુલમહોર, આમલી સહિતના વૃક્ષોનો ઉછેર કરાશે

નગરના મુખ્ય તેમજ આંતરીક માર્ગો ઉપર છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીના નિકાસની પાઇપ લાઇન નાંખવામાં આવી રહી છે. આવા માર્ગોની બન્ને સાઇડ ૨૯ હજાર વૃક્ષારોપણ કરાશે. જેમાં લીંબડા, જાબું, પેલ્ટોફોર્મ, ગરમાળા, ગુલમહોર, આમલી સહિતના વૃક્ષોના રોપાનું વાવેતર કરાશે.

Previous articleનર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને ફરી રોજીરોટી મળી
Next articleપુનિતવનની કાયાપલટ કરી વધુ સારુ બનાવાશે