નર્મદામાં પાણી છોડાતા બ્રાહ્મણો-નાવિકોને ફરી રોજીરોટી મળી

555

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૫૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે. જેને લઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે. તો બીજી તરફ, અમાસના દિવસે પાણી આવતા શ્રદ્ધાળુઓ પણ ખુશખુશાલ બનીને શ્રદ્ધાથી ડુબકી લગાવી હતી. પૂરા ગુજરાતભરમાં ડેમો અને ચેકડેમો બાંધી રાજ્ય સરકારે ગુજરાતની નદીઓ લુપ્ત બનાવી લીધી છે. જેથી નદીમાં નાવડી લઈને પોતાના પરિવાર ગુજરાન ચલાવવાવાળા પરિવારો પર સંકટના વાદળ છવાઈ ગયા છે. જ્યારે વડોદરાના ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં નવા નીર રાજ્ય સરકાર દ્વારા છોડવામાં આવતા નાવિક પરિવારો તેમજ ચાંદોદના બ્રાહ્મણો અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદીમાં પાણી ન હોવાથી નાવડીઓ પાણીમાં જઈ શક્તી ન હતી. તેમજ પાણી ઓછું હોવાથી ચાંદોદ ખાતે પિતૃતર્પણ અને ધાર્મિક વિધિ વિધાન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી રહી હતી. જેની સીધી અસર ચાંદોદના બ્રાહ્મણો ઉપર થઇ રહી હતી. જેથી બે દિવસ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી ૧૫૦૦ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાથી બ્રાહ્મણો અને નાવિકોની ફરી પાછી રોજી પાછી મળી છે.

Previous articleદુકાનદારને માર મારતા મોત નીપજ્યું, આઠ સામે ફરિયાદ નોંધાઈ
Next articleજિલ્લાનો ૫૮૫ હેક્ટર વિસ્તાર હરિયાળો બનાવવા ૪.૬૩ લાખ રોપાઓની વાવણી