ગાંધીનગરમાં પ્રથમવાર તાપમાન ૪પ ડિગ્રી : આજે વાદળા નિકળતાં રાહત ઉકળાટ યથાવત

541

ગાંધીનગરમાં હોટેસ્ટ દિવસ બાદ થોડુક તાપમાન ઘટતાં આજે રાહતની લાગણી અનુભવાઈ હતી. વાદળા નિકળતાં તાપમાન તો બે ડિગ્રી નીચે આવ્યું હતું. પરંતુ ગરમી અને ઉકળાટ યથાવત હોવાથી આજે પણ બપોરના કરફયુ જેવું વાતાવરણ રહ્યું હતું.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મોટાભાગના શહેરમાં ગરમી આક્રમક બની હોય તેવા વાતાવરણનો સામનો લોકો કરી રહ્યાં છે. ત્યારે દિનપ્રતિદિન ગરમીના પારામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેમ મહત્તમ તાપમાનમાં પણ વધી રહ્યું છે. આ વાતાવરણની અસર રાજ્યના હરીયાળા પાટનગરમાં પણ અનુભવવા મળતી હોય તેમ છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો પણ ૪૨ ડિગ્રીને પાર નોંધાઇ રહ્યો છે.

ત્યારે રવિવારે આ સીઝનનો સૌથી ગરમ દિવસનો સામનો નગરજનોને કરવો પડયો હતો. વહેલી સવારથી જ મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં સાંજે ૪૫ ડિગ્રીએ આવીને અટકી જતાં તેની અસર શહેર ઉપર પણ જોવા મળી હતી . તો દિવસ દરમિયાન ભેજના પ્રમાણમાં થયેલાં ઘટાડાના પગલે ગરમીએ પણ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. નગરજનો પણ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.

ચૈત્રના પ્રારંભથી જ ઉનાળાની કાળઝાળ ગરમી આક્રમક બની હોય તેવા વાતાવરણ વચ્ચે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં દિનપ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો પણ ઉંચે જઇ રહ્યો છે ત્યારે યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ પણ ઘણા વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે રાજ્યના હરીયાળા પાટનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરમી આક્રમક બનતી હોય તેમ ઉનાળાની સીઝનમાં તેની અસર બતાવે છે. આ વર્ષે પણ છેલ્લા એક મહિનાથી નગરજનો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં હોય તેમ ૪૨ ડિગ્રીથી ઉપર મહત્તમ તાપમાન નોંધાઇ રહ્યું છે. તો બીજી તરફ છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે ગરમી પણ આકરી બની છે.

શનિવારે મહત્તમ તાપમાન ૪૪.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. તેમાં વધારો થતાં રવિવારે ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ ગરમીના પારામાં વધારો નોંધાયો હતો. તો બીજી તરફ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ૨૧ ટકા નોંધાતાં આક્રમક ગરમીની સાથે સાથે ઉકળાટ ભર્યા વાતાવરણનો સામનો નગરજનોએ કરવો પડયો હતો. મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચી જતાં ઉનાળાની આ સીઝનના સૌથી ગરમ દિવસનો સામનો પણ નગરજનોએ કર્યો હતો.

છેલ્લા એક મહિનાથી શહેરમાં ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે ગરમીનો પારો પહોંચતાં નગરજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આમ યલો અને ઓરેન્જ એલર્ટ બાદ રેડ એલર્ટનો સામનો કરી રહેલાં નગરજનો પણ દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમી આકરી બનશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. સતત વધતી જતી ગરમીની અસર શહેર ઉપર પણ જોવા મળી રહી છે.

તો આકરી ગરમીની સાથે સાથે દિવસે ૬ થી ૮ કિલોમીટરની ઝડપે ફુંકાતાં ગરમ પવનોની અસર પણ મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર જોવા મળતી હોય તેમ કરફ્યુ જેવો માહોલ અનુભવવા મળી રહ્યો છે. અસહ્ય ગરમીનો સામનો કરી રહેલાં નગરજનો મોડી સાંજે સેક્ટરોમાં આવેલાં બગીચાઓ તેમજ ઘ-૪ પાસેના સેન્ટ્રલ વિસ્ટામાં ઠંડક મેળવવા માટે ઉમટી પડતાં હોય છે. તો દિન પ્રતિદિન વધી રહેલી ગરમીના પગલે તંત્ર દ્વારા પણ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નગરજનોને પણ સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત રહેવાની સુચનાઓ પણ આપવામાં આવી રહી છે.

Previous articleપુનિતવનની કાયાપલટ કરી વધુ સારુ બનાવાશે
Next articleઆગામી પાંચ દિવસ બાદ અમુક રાજ્યોમાં વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ