સંસદિય સચિવોની નિમણૂંક રોકવા શક્તિસિંહ ગોહિલનો ગર્વનરને પત્ર

649
guj2812018-8.jpg

પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી (સંસદીય સચિવો) બનાવતી હતી પરંતુ હવે નામદાર સુપ્રિમકોર્ટે રીટ પીટીશન,પીઆઈએલ ૩૦/૨૦૦૫માં તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે સંસદીય સચિવોની નિમણૂંક ગેરબંધારણીય છે અને સંસદીય સચિવોની નિમણૂંક કરતો કાયદો બનાવવાની પણ સત્તા રાજ્ય સરકારો પાસે નથી.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારોએ મંત્રીમંડળનું કદ કેટલું રાખવું તે બાબતે સ્પષ્ટતા ન હોવાના કારણે કેટલાક સમયે ખુબ મોટા જમ્બો મંત્રીમંડળ ભૂતકાળમાં રહેતા હતા. પરંતુ તા. ૨૦૦૪માં પહેલી જાન્યુઆરીએ દેશના બન્ને સંસદીય ગૃહમાં ૯૧મો બંધારણીય સુધારો પસાર થયો અને જેને માન. રાષ્ટ્રપતિની મંજુરી મળતા કાયદો બની ગયો હતો. આ બંધારણીય સુધારા બાદ એ સુનિશ્ચિત થયેલું છે કે કોઈ પણ રાજ્યમાં મંત્રીમંડળનું કદ તેની કુલ સભ્ય સંખ્યાના ૧૫ ટકા કરતા વધારે હોઈ શકે નહીં. આમ છતાં પ્રજાના પૈસે સભ્યોને મંત્રી જેવી સુવિધાઓ આપવા અને રાજકીય રીતે સાચવી લેવા ગુજરાતમાં પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવવામાં આવેલા હતા.ગોહિલે ગવર્નરને સુપ્રિમકોર્ટના ચુકાદાની નકલ (૨૦૧૭ જીજીઝ્ર પાના નં. જીઝ્ર ૮૧૩)સાથે પત્ર લખીને જણાવ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ અનેક ખાતાઓ પોતાના સ્તગત રાખેલા છે અને સત્તાધારી પક્ષમાં મંત્રીમંડળમાં સામેલ થવા માટેના અનેક વિવાદો ચાલી રહ્યા છે. મને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સુપ્રિમકોર્ટના ચુકાદાની જાણ હોવા છતાં ગુજરાતના મુખ્યમંત્રી પોતાના પક્ષના અંદર રહેલા અસંતોષને ડામવા માટે પાર્લામેન્ટરી સેક્રેટરીઝની ખુબ મોટા પાયે લ્હાણી કરવાની વાતો કરી રહ્યા છે. જે બંધારણથી વિરુધ્ધ અને નામદાર સુપ્રિમકોર્ટના ચુકાદાથી વિરુધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાય છે. ગુજરાતમાં અનેક સિનિયર અને પ્રામાણિક ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં મંત્રીમંડળથી બહાર છે.
ગુજરાતમાં ભૌગોલિક સંતુલન કે જ્ઞાતિગત સંતુલન પણ મંત્રીમંડળમાં નથી ત્યારે માત્ર રાજકીય કારણોસર ગેરબંધારણીય રીતે સંસદીય સચિવોની નિમણૂંકો ન થાય તે આપના મારફતે એક બંધારણીય વડા તરીકે કાળજી લેવાની આપની ફરજ છે. રાજ્ય સરકારનો વહીવટ આપના હુકમ અને સહીથી આદેશાત્મક બનતો હોય છે ત્યારે સંસદીય સચિવોની કોઈ પણ નિમણૂંક અંગેની પેરવીમાં આપની સહી કે નામનો ઉપયોગ ન થાય તે પણ આવશ્યક છે કારણકે બંધારણીય જોગવાઈઓ તેમજ નામદાર સુપ્રિમકોર્ટના હુકમનું પાલન કરવા તેમજ કરાવવા માટે તમે આપની ફરજોથી બંધાયેલા છો.