કસ્ટોડિયલ ડેથ :PSI અને કોન્સ્ટેબલ હાજર થયા

514

સુરતના ખટોદરા કસ્ટોડિયલ ડેથના ચકચારભર્યા કેસમાં ફરાર સાત પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ ચિરાગ ચૌધરી અને એક કોન્સ્ટેબલ હરેશ સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આજે નાટયાત્મક રીતે હાજર થયા હતા. જો કે,  પોલીસ દ્વારા રાજકીય દબાણ કે ઉચ્ચ પોલીસ સત્તાધીશોના ઇશારે આ કેસમાં ધરપકડ સહિતની આગળની તટસ્થ તપાસ કાર્યવાહી થશે કે કેમ તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા કસ્ટોડિયલ ડેથ કેસમાં સુરત પોલીસ કમિશનરના નિર્દેશાનુસાર આખરે ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ખટોદરા પોલીસ મથકમાં ગત તા.૨૯ મેના રોજ ઘરફોડ ચોરીના કેસમાં ઓમપ્રકાશ પાન્ડે, જયપ્રકાશ અને રામગોપાલને ખટોદરા પીઆઈ એમ.પી.ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત અન્ય સાત પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં ઉઠાવી લાવ્યા હતા. ત્યારબાદ ચોરીના ગુનાની કબુલાત કરાવવા ત્રણેય આરોપીઓને ઢોર માર માર્યો હતો. જે પૈકી ઓમપ્રકાશ પાંડેનું પોલીસના મારથી કસ્ટડી દરમિયાન મોત નીપજતા ભારે વિવાદ જાગ્યો હતો અને બાદમાં આખરે સુરત પોલીસ કમિશનરના નિર્દેશાનુસાર, ખટોદરા પોલીસના આરોપી પીઆઈ ખીલેરી, પીએસઆઈ ચૌધરી સહિત સાત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ઉપરાંત કાર મેળાના મેનેજર સોનુ યાદવને પણ ખટોદરા પોલીસે ઊંચકી લાવી હતી અને પોલીસ મથકમાં માર માર્યો હતો. જે ઓમ.પ્રકાશ કસ્ટોડિયલ ડેથ કેસમાં તાજનો સાક્ષી છે, તેણે પણ આરોપી ડી-સ્ટાફના પોલીસ જવાનો સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

જે પૈકી ડી-સ્ટાફના કુલદીપ સોલંકી અને રામપ્રકાશ મહાડિકની ખટોદરા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. છેલ્લા લાંબા સમયથી ઓમ પ્રકાશ કસ્ટોડિયલ ડેથ કેસમાં ફરાર પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પૈકી પીએસઆઈ ચૌધરી અને એક કોન્સ્ટેબલ હરેશ આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થતાં સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેથી સુરત ક્રાઇમ બ્રાંચના તપાસ અધિકારી આરોપી પોલીસ કર્મચારીઓની ૨૪ કલાકની કસ્ટડી દરમિયાન પૂછપરછ આદરી સંભવતઃ આવતીકાલે પોલીસ કસ્ટડી અથવા કોર્ટ કસ્ટડીમાં સોંપે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી. બીજીબાજુ, પીએસઆઇ ચૌધરી અને કોન્સ્ટેબલની આ પ્રકારે નાટયાત્મક શરણાગતિ અને પોલીસની તટસ્થ તપાસને લઇ ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે અને ભારે ચર્ચા ચાલી રહી છે.

Previous articleવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો
Next articleમેડિકલ : આ વર્ષથી ૧૦ ટકા આર્થિક અનામત લાભ લાગૂ