રક્ષક જ બની ભક્ષક…નોકરીથી ઘરે આવતા યુવકની આંખ ફોડી નાંખી

587

સુરત પોલીસની વધુ એક દબંગાઈ સામે આવી છે. સુરતમાં પોલીસના મારથી યુવકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. કડોદરા-પલસાણા રોડ પર ૪ પોલીસ કર્મીઓએ જીતુ પાટીલ નામના યુવકને ઢોર માર માર્યો હતો. જેને કારણે વિધવા માતાના એકના એક પુત્રને આંખ ગુમાવવી પડી હતી. આ ઘટના બાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જીતુ પાટીલના પરિવારે ન્યાયની માગણી કરી છે. ગુજરાત પોલીસનો બદસુરત ચહેરો ફરી એકવખત સામે આવ્યો છે. સુરતના કડોદરા પલસાણા રોડ પર મોડી રાત્રે જીતુ પાટીલ નામનો યુવાન નોકરી કરીને પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન મોડી રાત્રે સફેદ કલરની કારમાં આવેલા ચાર પોલીસ કર્મચારીએ તેની પુછપરછ કરી હતી. ત્યારબાદ કોઇ કારણ ન હોવા છતાં ચારેય પોલીસ કર્મચારીઓ યુવાન પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, ચારેય પોલીસ કર્મચારીઓ કડોદરા જીઆઈડીસીમાં ફરજ બજવે છે.

ઘટનાને પગલે યુવકના પરિવારે ન્યાયની માગ કરી છે. અગાઉ ખટોદરામાં પોલીસના મારથી યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરી એકવાર સુરત પોલીસના મારથી યુવકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.

Previous articleમહિલા પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં હેરાન કરનારા લોકોના નામ
Next articleશહેરમાં ૫૦ ટકા સ્કૂલવાહનો રજિસ્ટ્રેશન વિનાનાં