સ્વર્ણિમ પાર્કને રિવરફ્રન્ટ લંબાવવાની સ્કીમ અટવાઈ

593

દિલ્હીના ઇન્ડિયા ગેટ, ફ્રાન્સના રાજમાર્ગ અને અમેરિકાના વ્હાઇટ હાઉસના જેવી પેટર્ન પર ગાંધીનગરમાં સ્વર્ણમ પાર્કની યોજના હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ખ રોડ પરના મહાત્મા મંદિરથી ઘ રોડ પર ફૂવારા સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ વિધાનસભાથી રીવર ફ્રન્ટ મતલબ કે સાબરમતી નદીના કિનારા સુધી સ્વર્ણિમ પાર્કને લંબાવવાની યોજના હતી.પરંતુ આ યોજનાનું કામ અટવાઈ જતા હાલ તેનુ કામ અધ્ધરતાલ રહી ગયુ છે.

આ સમગ્ર પ્રોજેકટ માટે અવનવી ડિઝાઇન તૈયાર કરીને મુખ્યમંત્રી કક્ષાએથી પસંદ કરવામાં આવે તેના પર કામ કરવાનું હતું. પરંતુ વચ્ચે આવતા પંચામૃતભવનનું કામ વૃક્ષો કાપવાના મુદ્દે થયેલા આંદોલનના કારણે બંધ રાખવામાં આવતાં સ્વર્ણિમ પાર્કની યોજના ખોરવાઇ ગઇ છે.

પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી તે સમયે તૈયાર કરવામાં આવેલા મુળ પ્લાનમાં જ વિધાનસભા સંકુલથી શરૂ કરીને રેલવે સ્ટેશન સુધી સેન્ટ્રલ વિસ્ટા બનાવવાની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ તે સમયે શહેરમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પાછળ સમય અને નાણા ખર્ચ કરવાની બાબત પર સ્વાભાવિક રીતે વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. પરિણામે જેને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ણમ પાર્ક નામ આપ્યું છે, તે સેન્ટ્રલ વિસ્ટા ડેવલપ કરવાની રહી ગઇ અને સમય વહેવાની સાથે આ ડિઝાઇન અને યોજના પણ ફાઇલોમાં દબાઇ ગયા હતાં. સાથે જ આ વિસ્તારમાં અન્ય સરકારી ઇમારતો અને મકાનો પણ બંધાઇ ગયા હતાં. જ્યારે મહાત્મા મંદિર પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારે આર્કિટેક્ટને જુની ડિઝાઇન મળી આવી તેની સાથે નવેસરથી સ્વર્ણિમ પાર્કને મુળ ડિઝાઇન પ્રમાણે વિકસાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે મુખ્યમંત્રી કક્ષાએથી એવું માર્ગદર્શન અપાયું કે સ્વર્ણિમ પાર્કને મુળ ડિઝાઇન પ્રમાણે તો વિકસાવવો જ, તેના ઉપરાંત તેને વિધાનસભાની પાછળથી પણ શરૂ કરીને નદીનના કિનારા સુધી વિસ્તારવો જોઇએ.

આ ઉપરાંત એવી પણ રજૂઆતો થઈ રહી છે કે આ યોજનામાં વાઇલ્ડરનેશ પાર્ક, પુનિતવન પણ વચ્ચે આવી જાય અને તેની પહેલા સરકારી પડતર રહેલી જમીન પર પંચામૃતભવન બાંધીને ત્યાં સરકારની અત્યાર સુધી હાથ ધરાયેલી સફળ મોટી યોજનાઓને ઉજાગર કરવામાં આવે. જોકે હાલ આ યોજનાની કામગીરી ક્યારે આગળ વધશે તે એક સવાલ છે.

Previous articleભાજપના લોકો કહે છે આ વખતે હારીશું તો ૨૦૦ વર્ષ સુધી સત્તા નહીં મળેઃ અહમદ પટેલ
Next articleરૂપાલાના ઈશારા બાદ ફરી સીએમ બદલવાની અટકળો તેજ