એક જ પરિવારના ચાર સભ્યોની રહસ્યમય હત્યા

724

બનાસકાંઠાના લાખાણીના કુડા ગામે એક જ પરિવારના ૪ સભ્યોની હત્યા કરવામાં આવી છે અને પિતાએ ઝેર પી લીધુ હોવાનું બહાર આવ્યું છે. જે ગંભીર હોય સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. કુડાના આ હત્યાકાંડમાં રહસ્ય ઉભુ કરતા અને સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે એક તરફ જ્યાં પોલીસ પિતાએ હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની થિયરી પર પ્રાથમિક તપાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રામજનોનું કહેવું છેકે આ પ્લાન મર્ડર છે અને ભ્રમમાં રાખવા પિતાએ હત્યા કરી હોય તેવુ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઇને ગ્રામજનોમાં રોષ છે અને જ્યાં સુધી હત્યારા નહીં પકડાય ત્યા સુધી મૃતદેહો સ્વીકારશે નહીં.

કુડા ગામ ખાતે એક જ પરિવારના ચાર સભ્યોની માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી છે. જ્યારે ઘરના વડીલ એવા કરશનજી પટેલના હાથ પાછળની તરફ બાંધેલા હતા, તેમણે ઝેર પીધું હતું. જેમની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. આ મૃતકોમાં હરજીબેન કરશનજી પટેલ, ઉકભાઈ કરશનજી પટેલ, ભાવનાબેન કરશનજી પટેલ અને સુરેશભાઈ કરશનજી પટેલના નામ સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છેકે પિતાએ જ હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જોકે સાચુ શું છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ રહસ્યમય હત્યાકાંડમાં પહેલો સવાલ સ્થિનકો તરફથી ઉઠી રહ્યો છે. પોલીસ જ્યાં પિતા જ હત્યારો હોવાનું પ્રાથમિક ધોરણે માની રહી છે, ત્યારે ગ્રામજનોનું કહેવું છેકે ઘરના વડીલ એવા કરશનજી પટેલના હાથ બંધાયેલા હતા અને જે દીવાલ પર ૨૧ લાખના ઉધારનું લખાણ લખવામાં આવ્યું છે તે ખોટું જ છે, કારણ કે કરશનજી અભણ હતા તો તેઓ કેવી રીતે લખી શકે. જે કુહાડીથી હત્યા કરવામાં આવી છે તે બાજુના ખેતરમાંથી મળી છે. આમ કરવા પાછળનું કારણ ગેરમાર્કગે દોરવાનું છે.

આ હત્યાકાંડ અને પિતાના આપઘાતના પ્રયાસને લઇને સ્થાનિકોનું કહેવું છેકે હત્યારાઓ પ્લાન મર્ડર કર્યું છે અને ૧૦થી ૧૨ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જે કોઇપણ આ ઘટનાને જુએ તો તેમને એવો જ ભ્રમ ઉભો થાય કે પિતાએ પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ પીડિત કરશનજી પટેલને પણ કુહાડીના ઘા મારવામાં આવ્યા છે. જોકે એક સવાલ એ પણ ઉઠી રહ્યો છેકે જો આ પ્લાન મર્ડર હોય તો હત્યારાઓએ ઘરના મોભી એવા કરશનજી પટેલને કેમ છોડી દીધા? કારણ કે બની શકે કે હત્યા કોણે કરી છે એ કરશનજી પટેલ જાણતા હોય અને જો એ જીવીત રહે તો હત્યારાઓને પકડાવી શકે પણ શકે છે.

કુડા ગામમાં જે ઘટના બની છે તેવા જ પ્રકારની ઘટના રાજસ્થાનના સિહોરી જિલ્લાના ઇસરા ગામમાં પણ બની હતી. જ્યાં આર્થિક તંગીથી કંટાળેલા યુવકે તલવારના ઘા ઝીંકી પરિવારના ત્રણ સભ્યોના ઢીમ ઢાળી દીધા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પણ પ્રાથમિક તારણ એવું જ કાઢવામાં આવી રહ્યું છેકે કુડા ગામના આ પરિવાર પર ૨૧ લાખનું દેવું હતું અને પિતાએ જ ઘરના ચાર સભ્યોની હત્યા કર્યા બાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

Previous articleશહેરમાં ૫૦ ટકા સ્કૂલવાહનો રજિસ્ટ્રેશન વિનાનાં
Next articleગાંધીનગર બન્યું યોગમય : ઠેર ઠેર યોગના કાર્યક્રમો યોજાયા