પાટનગરની સુરક્ષા માટે વિવિધ ૩૨ સ્થળે મલ્ટી પર્પઝ સ્માર્ટ પોલ લગાવાયા

475

પાટનગરમાં સ્માર્ટ સિટી અંતર્ગત હાથ ધરાયેલી સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત કરવાની યોજના અંતર્ગત વિવિધ જાહેર સ્થળો પર મળીને ૪૦ મલ્ટી પર્પઝ સ્માર્ટ પોલ લગાડવાના છે અને આ પૈકીના ૩૨ પોલ ઇન્સ્ટોલ કરી દેવાયા છે.

આ તમામ પોલને મહાપાલિકામાં કાર્યરત કરવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે કનેક્ટ કરવામાં આવશે. સર્વેલન્સની કુલ ૭૦ કરોડના ખર્ચની યોજનામાં સ્માર્ટ પોલનો ખર્ચ ૩.૫૦ કરોડથી વધુનો થશે. પરંતુ આ યોજના પૂર્ણ થવાની સાથે અનેકવિધ વાતે પાટનગરની સુરક્ષામાં અને વિવિધ સુવિધામાં વધારો થઇ શકશે. કુદરતી કે કૃત્રિમ આફત, કાયદાના ઉલ્લંઘન સહિતના સમયે ગણતરીના સમયમાં પોલીસ, ફાયર બ્રિગેડ કે મહાપાલિકાની સેવાઓ આમ આદમીને ઉપલબ્ધ થશે.

પાટનગરમાં લાગેલા દરેક સ્માર્ટ પોલમાં વિવિધ ૬ બાબતોનો સમાવેશ કરાયો છે. તેમાં એલઇડી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, પબ્લિક વાઇફાઇ, વિવિધ માહિતી, સંદેશા દર્શાવતા એલઇડી બોર્ડ, પ્રદુષણ અને મોસમની જાણકારી મેળવતા સેન્સર, ૩૬૦ ડિગ્રી ફરતા કેમેરા અને પેનિક બટનનો સમાવેશ થાય છે.

સ્માર્ટ પોલ પરનું પેનિક બટન દબાવતા કંટ્રોલરૂમ પર એલર્ટ મળવા સાથે બટન દબાવનારનો ૫ સેકન્ડનો વિડીયો મળશે. તેથી અસરગ્રસ્તની સ્થિતિ જાણવા સાથે તે કેવી મુસીબતમાં છે, તે જાણીને મદદ રવાના કરાશે. આ રીતે આગામી સમયમા આ કામગીરી શરૂ થશે.  પોલ પરની એલઇડી લાઇટ સતત ટ્રાફિક હોય ત્યારે પૂર્ણ પ્રકાશિત રહેશે. પરંતુ ટ્રાફિક ઘટવાની સાથે ડીમ થશે અને વાહનો નીકળતા બંધ થઇ જાય ત્યારે લાઇ બંધ થઇ જવાથી વીજળીની બચત કરવામાં સફળતા મળશે.

સ્માર્ટ પોલની ફરતે ૧૦૦ અથવા ૨૦૦ મીટર વિસ્તારમાં ફ્રી વાઇફાઇ મળશે. પરિણામે આ વિસ્તારમાં આવીને કોઇપણ વ્યક્તિ તેના મોબાઇલ કે લેપટોપ પર ડેટા એસેસ કરીને પોતાનું ઓનલાઇન કામ કરી શકશે.

Previous articleસેક્ટર-૭ પોલીસ સ્ટેશનના ૨૫૦ મીટરના અંતરે ઘરફોડથી ચકચાર
Next articleબંગાળમાં ભાટપારામાં ફરી હિંસા ભડકી