૨૪ કલાકમાં બોંબ મૂકાયાનો બીજો મેસેજ મળતાં ચકચાર

922

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રથયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને અને શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાયેલું રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી. જો કે, પોલીસે ૨૪ કલાકમાં મળેલી આ બંને ધમકીઓની તપાસમાં ભલે કંઇ વાંધાજનક મળ્યુ ના હોય પરંતુ અગમચેતી અને સુરક્ષાના કારણોસર શહેરભરમાં પોલીસ રથયાત્રાને લઇ એલર્ટ પર છે અને શહેરની એકએક શંકાસ્પદ હિલચાલ પર બાજનજર રાખી રહી છે. અમદાવાદના નેહરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને બસોને ત્રણ  દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને હજી ૨૪ કલાક પણ થયા નથી ત્યાં પોલીસને વધુ એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. રથયાત્રા પૂર્વે અમદાવાદમાં બોંબ બ્લાસ્ટની ધમકીના પગલે ગુજરાત પોલીસ સર્તક થઇ ગઇ છે. તેની સાથે નારોલની શાહવાડીમાં કચરાપેટીમાં બોંબ મૂકાયાનો મેસેજ પણ ફરતો કરવામાં આવ્યો હતો. મેસેજની જાણ પોલીસને થતા પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ડોગ સ્કવોડના આધારે તપાસ કરી હતી. પરંતુ બોંબ ડિફ્યુઝ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની તપાસમાં વાંધાજનક કંઈ મળ્યું નહોતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રે અમદાવાદના નેહરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને બસોને ૩ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં મળ્યો હતો. પોલીસે ફોનના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, સાયબર ક્રાઈમ દ્વારા બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ મારફતે બસ સ્ટોપ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. બોમ્બથી ધમકી આપનાર શખ્સના મોબાઈલ નંબરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં શાહઆલમનો મોહમ્મદ આસિફ નામના યુવકે આ ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું. મોહમ્મદ આસિફ માનસિક રીતે અસ્થિર છે. તેની શહેરની વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ફોનના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ વીએસ હોસ્પિટલ પહોંચી હતી. તો બીજી બાજુ એસઓજીની ટીમે પણ નેહરુનગર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી હતી.

 

Previous articleગુજરાતના દરેક જિલ્લામાં  આજથી સંગઠન પર્વ બેઠકો
Next articleજગન્નાથ રથ યાત્રા આડે ગણતરીના દિવસો છે ત્યારે અખાડા સક્રિય