શિક્ષકો સારા શિક્ષણની કરોડરજ્જુ : રાજ્યપાલ

522

રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું છે કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ અત્યંત મહત્વનું છે ત્યારે ગુણવત્તાલક્ષી સારું શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષકો જ કરોડરજ્જુ પુરવાર થઈ રહ્યા છે તે સમાજ માટે અત્યંત ગૌરવરૂપ છે. આજે ગાંધીનગર ખાતે આઈઆઈટીઈ નાં ૯માં સ્થાપનાદિને ૧૦૦થી વધુ ગુરૂજનોનું સન્માન કરતા રાજ્યપાલ કોહલીએ ઉમેર્યુ કે, વિકસતા જતા સમયમાં વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે. ત્યારે શિક્ષકો આ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. સેવારત અને સેવા નિવૃત શિક્ષકો સમાજ પ્રત્યે પોતાનું દાયિત્ય નિભાવીને સમાજ ઘડતરમાં ડાયનેમિક ભૂમિકા અદા કરવા રાજ્યપાલશ્રીએ આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના વર્ષ ૨૦૧૦માં કરી હતી. તેમના વિઝન- મિશન થકી આજે આ યુનિવર્સિટી દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી દ્વારા આવનારા સમયમાં સમાજોપયોગી સંશોધનો તથા શિક્ષક ઘડતર માટેના પ્રયાસો થાય તે જરૂરી છે. રાજ્યપાલએ ઉમેર્યુ કે રાષ્ટ્રના વિકાસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે તેમ છે ત્યારે વિશ્વવિદ્યાલયો આ ક્ષેત્રે પ્રાધાન્ય આપે તે જરૂરી છે. તેમણે શિક્ષકોને હવે વેતનભોગી ગ્રંથીમાંથી બહાર આવીને પોતાની કર્તવ્યનિષ્ઠા અદા કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષક સમાજનું અભિન્ન અંગ છે. શિક્ષકોમાં બૌદ્ધિક ક્ષમતાની સાથે સાથે વ્યવસાયિક ક્ષમતા અને સંવેદના જોડાય તો આવનારી પેઢીને અવશ્ય ફાયદો થશે. શિક્ષકનું કામ માત્ર મારવાનું નહીં પણ વિદ્યાર્થીઓને સંવેદના થકી સહારો આપીને ઘડતર કરવાનું છે. તેમણે ઉમેર્યું કે શાળા, કોલેજો- યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી તૈયાર કરવાને બદલે સમાજઘડતર માટેનું પણ શિક્ષણ આપવું જોઈએ. દેશને આઝાદી ૧૯૪૭માં મળી હતી અને આજે પણ ભારત વિકાસશીલ દેશ કહેવાય છે ત્યારે ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવવા માટે શિક્ષણના માધ્યમ દ્વારા શિક્ષકોએ અનેરી ભૂમિકા અદા કરવી પડશે.

રાજ્યપાલએ કહ્યું કે દેશમાં શિક્ષણનો સ્વર્ણિમ યુગ છે. આપણે નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠો માટે ગૌરવ કરીએ છીએ ત્યારે દેશની યુનિવર્સિટીઓ પણ વર્લ્ડ રેન્કિંગમાં આગવું સ્થાન હાંસલ કરીને પુનઃ તક્ષશિલા, નાલંદા, વિદ્યાપીઠ જેવું ગૌરવ પ્રાપ્ત કરે તે માટે શિક્ષકોએ આગવા પ્રયાસ કરવા પડશે. ડબલ્યુઆરસી-એનસીટીઈ નાં ચેરપર્સન રવિન્દ્ર કડુએ આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોની પ્રશંસા કરીને તેમના દ્વારા શિક્ષણ થકી સમાજને આગળ લઈ જવાના કરવામાં આવેલા પ્રયાસો બિરદાવ્યા હતા. આજે પણ શ્રેષ્ઠ શિક્ષકોની સમાજ ને ખુબ જરૂર છે તેમ કહીને કડુ એ ઉમેર્યું હતું કે આ વિઝન સાથે જ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટીઈની સ્થાપના કરી હતી. તે ઉપરાંત આઈઆઈટીઈના કુલપતિ હર્ષદ પટેલને આ યુનિવર્સિટીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ ડો. કડુએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આઈઆઈટીઈના કુલપતિ ડૉ હર્ષદ પટેલે રાજ્યપાલ તથા મહેમાનો અને ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોને આવકારતા જણાવ્યું હતું કે ચાર વર્ષીય બીએડ અભ્યાસક્રમો અને ત્રણ વર્ષીય અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવતી આ યુનિવર્સિટીમાં હાલમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

Previous articleનવા ક્લેવર અને સુવિધાની સાથે એસટી સેવામાં રહેશે
Next articleમહાનગરોમાં ૭૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલ્ડ કરાશે : રૂપાણી